દેવગઢ બારીઆ તાલુકાના ઉધાવળા ગામે રમાતા જુગાર ધામ પર દાહોદ એલ.સી.બી. પોલીસનો સપાટો : ૦૫ જુગારીઓને દબોચી લેવાયાં : ૦૩ વોન્ટેડ જુગારીઓના ધરપકડના ચક્રોગતિમાન : રૂા.૨૨,૩૯૦ની રોકડ રકમ કબજે કરાઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.24
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ઉધાવળા ગામે ગતરોજ એલસીબી પોલીસે જાહેરમાં પાના પત્તા વડે ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા નવ જુગારીઓ પૈકી પાંચ જુગારીઓને પોલીસે દબોચી લઇ તેઓની પાસેથી 22,390/- ની રોકડ રકમ કબજે કરી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ફરાર વોન્ટેડ 3 થી વધુ જુગારીઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
દાહોદ શહેર સહિત જિલ્લામાં હાલ જુગારીઓ બેફામ બન્યા છે ત્યારે જિલ્લાની પોલીસ તેમજ દાહોદ એલસીબી પોલીસ દ્વારા આવા જુગારના અડ્ડાઓ પર ઓચિંતા છાપા મારી જુગારીઓને ઝડપી પાડી જેલ ભેગા કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં જુગારીઓનું મસમોટું એપી સેન્ટર ગણાતું એવું દેવગઢ બારીયા તાલુકામાં ગત રોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ઉધાવળા ગામે મસ્જિદની પાછળ, નાકટી ફળિયામાં જાહેરમાં જુગાર રમી રહેલ નિલેશભાઈ જયંતીભાઈ સોની (રહેવાસી. કાજીવાડા, બિસ્મિલ્લા મસ્જિદ, ગોધરા, જિલ્લો, પંચમહાલ), જફર અહેમદ સિરાજ મિયા સૈયદ (રહેવાસી. નવાપુરા, એકલવ્ય છાત્રાલય પાસે, છોટાઉદેપુર), સિદ્દીકભાઈ ઈસ્માઈલ ખાન પઠાણ (રહેવાસી. મકરાણી મોહલ્લા, ગધેડા ફળિયા, છોટાઉદેપુર), મહેશભાઈ ગુલાબદાસ ગંગાધરાની સિંધી (રહેવાસી. જુલેલાલ સોસાયટી, fci ગોડાઉનની સામે, ભુરાવાવ ગોધરા), હનીફભાઇ અબ્દુલ્લાભાઈ પીંજારા (રહેવાસી. ઉધાવળા,પીંજારા ફળિયા, તાલુકો દેવગઢ બારીયા) જ્યારે વોન્ટેડ એવા સિકંદર સત્તાર રામાવાલા (રહેવાસી. કાપડી, દેવગઢ બારીયા), સત્તાર ઉર્ફે બોખો અબ્દુલ્લા શુક્લા (રહેવાસી. કાપડી, દેવગઢ બારીયા), સલીમ રસુલ બકસાવાલા (રહેવાસી. ઉધાવળા, તાલુકો દેવગઢ બારીયા) તથા તેમની સાથે અન્ય ભાગી જનાર ઈસમો જાહેરમાં પાનના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી એલ.સી.બી પોલીસને બાતમી મળી હતી. બાતમી મળતાની સાથે એલસીબી પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો મારતા જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા જેમાં પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા રૂપિયા 22,390/- ની રોકડ રકમ કબજે લઇ ફરાર વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લામાં જુગાર ધામનું એપીસેન્ટર એવું દેવગઢ બારીયા તાલુકા તેમજ દેવગઢબારિયા નગર માં જાહેરમાં બેરોકટોક સ્થાનિક પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ જુગારના અડ્ડાઓ કાયમી ધમધમી રહ્યા છે ત્યારે આવા જુગારના અડ્ડાઓ પર એલસીબી પોલીસને રેડ કરવાની ફરજ પડી હતી જેને પગલે સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જાણવા મળ્યા અનુસાર, દેવગઢ બારિયા નગરમાં ઘણા એવા વિસ્તારોમાં પણ જુગારના અડ્ડાઓ કાયમી ધમધમે છે અને આ જુગારના અડ્ડા પર દાહોદ, પંચમહાલ તેમજ મહીસાગરના જુગારીઓ જુગાર રમવા આવતા હોવાની પણ ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે એલસીબી પોલીસ દ્વારા દેવગઢબારિયા નગરમાં આવેલ જાણીતા જુગારના અડ્ડા પર રેડ પાડવામાં આવે તો અનેક મોટા માથાના જુગારીઓ તેમજ જુગારના અડ્ડાઓ ચલાવતાં જાણીતા ઇસમો પર પણ પોલીસ લગામ ખેંચી શકે તેમ છે.