દાહોદ શહેરમાં રેલ્વે સ્ટેશન ખાતે ચાલુ ટ્રેને ઉતરવા જતાં એક યુવાનનું ટ્રેનની નીચે કપાઈ જતાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૪
દાહોદ શહેરમાં આવેલ રેલ્વે સ્ટેશન ખાતે એક કરૂણ ઘટના સામે આવી છે જેમાં દાહોદ પ્લેટફોર્મ પરથી પસાર થતી એક ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં એક યુવાન પેસેન્જર ટ્રેનના પૈડા નીચે આવી જતાં પસેન્જરનું કમકમાટી ભર્યું મોત નીપજતાં રેલ્વે સ્ટેશન આલમમાં ચકચાર મચી જવા પામી હતી.
આજરોજ સવારના સમયે દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર ૨ના ટ્રેક પરથી એક ટ્રેક પસાર થઈ રહી હતી. આ ટ્રેનમાં સવાર એક યુવાન પેસેન્જર ચાલુ ટ્રેને ઉતરવા જતાં તેનો પગ લપસ્યો હતો અને જાેતજાેતામાં તે ટ્રેનના પૈડા નીચે આવી જતાં તેનું કપાઈ જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. રેલ્વે ટ્રેક પર લોહીના ખાબોચીયા ભરાઈ ગયાં હતાં. આ અંગેની જાણ દાહોદ રેલ્વે પોલીસ સહિતના સ્ટાફને થતાં તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયાં હતાં. ટ્રેનની નીચે આવી કપાઈ ગયેલા યુવાનના શરીરના ટુકડે ટુકડા થઈ જતાં દાહોદ રેલ્વે સ્ટેશન પર હાજર અન્ય પેસેન્જરોમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળ્યાં અનુસાર, આ યુવાનના મૃતદેહની પાસેથી તેના આધાર, પુરાવા મળી આવ્યાં હતાં અને જેમાં તેનું નામ ગાલવ શર્મા રહેવાસી રતલામ, મધ્યપ્રદેશ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો રેલ્વે સ્ટેશનના સીસીટીવી ફુટેજમાં પણ કેદ થઈ જવા પામ્યો હતો.