દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે રૂા.૧.૪૪ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બેની અટકાયત કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી એલ.સી.બી. પોલીસે એક એમ્બ્લ્યુલંશ બોલેરો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં બે ઈસમોને ઝડપી પાડી એમ્બ્લ્યુંલંશ બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂનો કુલ રૂા.૧,૪૪,૦૦૦ના જથ્થા સાથે મોબાઈલ ફોન તેમજ ગાડીની કિંમત વિગેરે મળી કુલ રૂા. ૪,૪૬,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે. એમ્બ્લ્યુલંશ જેવા વાહનોમાં પણ હવે વિદેશી દારૂની હેરાફેરી થતાં ચકચાર મચી જવા પામી છે. બુટલેગરો તેમજ વિદેશી દારૂની ખેપ મારતાં તત્વોએ નવો કરતબ અજમાવ્યો હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ ટ્રેક્ટરની ટ્રોલીઓમાં પણ વિદેશી દારૂ લઈ જવાતો હોવાનું સામે આવ્યું હતું ત્યારે બુટલેગરો નવી નવી તરકીબો અપનાવી ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયત્નો કરી રહ્યાં છે.
દેવગઢ બારીઆના ભથવાડા ટોલનાકા પાસેથી રાજસ્થાન રાજ્યમાં રહેતાં ગાવિંદભાઈ તેરાભાઈ ડામોર અને અજયભાઈ બસીલાલ ડામોર આ બંન્ને જણા પોતાના કબજાની એમ્બ્લ્યુલંશ બોલેરો ગાડી પાસિંગ રાજસ્થાનમાં ગેરકાયદેસર રીતે ગાડીમાં વિદેશી દારૂ ભરી હેરાફેરી કરતાં હોવાની બાતમી એલ.સી.બી. પોલીસને મળી હતી. આ બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે ભથવાડા ટોલનાકા પાસે વોચ ગોઠવી ઉભી હતી અને આ ગાડી પસાર થતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લીધી હતી અને એમ્બ્લ્યુલંશ ગાડીમાં તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ. ૪૦ જેમાં બોટલો નંગ. કુલ ૧૫૬૦ કિંમત રૂા.૧,૪૪,૦૦૦ના પ્રોહીના જથ્થા સાથે ઉપરોક્ત ઝડપાયેલ બંન્ને ઈસમો પાસેથી મોબાઈલ ફોન તેમજ ગાડીની કિંમત મળી કુલ રૂા.૪,૪૬,૦૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ સંબંધે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.