પેટ્રોલ – ડીઝલ અને એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારાને લઇને રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ટોણો મારતા આભાર માન્યો
(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૮
તહેવારોની સિઝન શરૂ થતાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલ અને એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારાને કારણે સામાન્ય માણસને ફરી એક વખત આંચકો લાગ્યો છે. આ સાથે તેમના આખા મહિનાનું બજેટ પણ ગડબડ થઈ ગયું છે. તો ત્યાં જ હવે કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ટોણો મારતા આભાર માન્યો હતો.
રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વધતી જતી મોંઘવારી પર ટિ્વટ કર્યું અને લખ્યું કે, ‘પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય પદાર્થો, એલપીજીના ભાવ વધી રહ્યા છે, તહેવારોની મોસમ ફિક્કી પડી ગઈ છે, મોદીજીનો આભાર! ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથીકે રાહુલ ગાંધીએ મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હોય ૧ ઓક્ટોબરના રોજ રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, ‘રેકોર્ડ બ્રેક ફુગાવા માટે પેટ્રોલના ભાવ જવાબદાર છે. રેકોર્ડબ્રેક પેટ્રોલના ભાવ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. બધા જ ખોટા રેકોર્ડ તોડવા માટે એક વ્યક્તિ જવાબદાર છે. એ યાદ રહે કે આજે શુક્રવાર ૮ ઓક્ટોબરના રોજ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમત ૩૪ થી ૩૭ પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૨૬ થી ૩૦ પૈસા પ્રતિ લીટર વધી છે.