દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પાવ ગામે ધાડપાડુ, લુંટારૂઓનો આતંક : એક પરિવારને બાનમાં લઈ રોકડા રૂપીયા મળી રૂા.૧.૮૦ લાખની મત્તાની લુંટ ચલાવી લુંટારૂંઓ ફરાર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પાવ ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં પાંચ જેટલા અજાણ્યા ધાડપાડુ, લુંટારૂંઓએ એક મકાનને મધ્યરાત્રીના સમયે નિશાન બનાવી મકાનમાં બાકોરૂં પાડી પ્રવેશ કર્યાેં હતો અને ઘરધણી સહિત પરિવારજનોને બાનમાં લઈ ધાકધમકીઓ આપી ઘરમાંથી રોકડા રૂપીયા ૧,૫૦,૫૦૦ સોના - ચાંદીના દાગીના મળી કુલ રૂા. ૧,૮૦,૦૦૦ની મત્તાની સનસનાટી ભરી લુંટ ચલાવી નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ધાનપુર તાલુકાના પાવ ગામે છાપરી ફળિયામાં રહેતાં નુરતનભાઈ વેસ્તાભાઈ મકવાણા તથા તેમના પરિવારજનો ગત તા.૧૧મી ઓક્ટોમ્બરના રોજ રાત્રીના સમયે જમી પરવારી પોતાના ઘરમાં મીઠી નિંદર માણી રહ્યાં હતાં ત્યારે રાત્રીના આશરે ૨ વાગ્યાના આસપાસ પાંચ જેટલા અજાણ્યા ધાડપાડુ, લુંટારૂંઓએ નુરતનભાઈના મકાનની દિવાલમાં બાકોરૂં પાડી પ્રવેશ કર્યાેં હતો અને નુરતનભાઈ તથા તેમના પરિવારજનોને બાનમાં લઈ ધાકધમકીઓ આપી હતી. મકાનમાંથી લુંટારૂઓએ રોકડા રૂપીયા ૧,૫૦,૦૦૦, ચાંદીના છડા, ચાંદીના સાંકળી, એક મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા. ૧,૮૦,૫૦૦ની મત્તાની સનસનાટી ભરી લુંટ ચલાવી ધાડપાડું, લુંટારૂંઓ અંધારાનો લાભ લઈ નાસી ગયાં હતાં. મધ્યરાત્રીના સમયે ગામમાં બુમાબુમ મચી જતાં વિસ્તારના લોકો જાગી ગયાં હતાં અને નુરતનભાઈના ઘર તરફ લોકો દોડી ગયાં હતાં પરંતુ તે પહેલાં લુંટારૂઓ અંધારાનો લાભ લઈ નાસી છુટવામાં સફળ રહ્યાં હતાં. વહેલી સવારે આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરાતાં પોલીસ પણ દોડી આવી હતી.
આ સંબંધે નુરતનભાઈ વેસ્તાભાઈ મકવાણા દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.