ગરબાડા તાલુકાના સીમલીયા ગામે એક મકાનમાં અકસ્માતે આગ લાગતાં એક ભેંસ બળીને ખાખ : ઘરવખરીનો સામન પણ બળીને ખાખ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સીમલીયા ગામે એક ઢાળીયાવાળા કાચા મકાનમાં અકસ્માતે આગ લાગતાં આખુ મકાન આગની લપેટમાં આવી ગયું હતું જેમાં ઢાળીયામાં બાંધી રાખેલ એક ભેંસ સહિત ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
ગત તા. ૨૦મી ઓક્ટોમ્બરના રોજ રાત્રીના ૧૧ વાગ્યાના આસપાસ સીમલીયા ગામે મોહનીયા ફળિયામાં રહેતાં મોહનીયા પાનસીંગભાઈ દલસીંગભાઈના કાચા ઢાળીયાવાળા મકાનમાં અકસ્માતે આગ ભભુકી ઉઠી હતી. જાેતજાેતામાં આગે વિકરાળુ રૂપ ધારણ કરતાં આગે આખા મકાનને પોતાની અગન જ્વાળાઓની લપેટોમાં લઈ લીધું હતું. આગ અંગેની જાણ આસપાસના લોકોને થતાં લોકો દોડી આવ્યાં હતાં અને પાણીનો મારો પણ ચલાવ્યો હતો પરંતુ આગ એટલી વિકરાળ બની ચુકી હતી કે તેની ઉપર કાબુ મેળવવો મુશ્કેલી બની ગયું હતું. વિકરાળ આગને પગલે સંપુર્ણ મકાન બળીને ખાખ થઈ ગયું હતું અને મકાનના ઢાળીયા ભાગે બાંધી રાખેલ એક ભેંસ પણ બળી જતાં મોતને ભેટી હતી. આગમાં ભેસ સહિત સંપુર્ણ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ અંગેની જાણ નજીકના ફાયર સ્ટેશને કરાતાં ફાયર ફાઈટરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.