દાહોદના કાળીતળાઈ ગામે ખાદ્ય તેલ ભરેલ ટેન્ક પલ્ટી ખાધું : ખાદ્ય તેલ લેવા આસપાસના લોકો દોડી પડ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૧
દાહોદ તાલુકાના કાળી તળાઈ નજીક ખાદ્ય તેલ ભરેલ ટેન્કર અચાનક પલ્ટી ખાઈ જતાં ટેન્કર નજીકમાં આવેલ પુલની નીચે ખાબકી પડ્યું હતું. ખાદ્ય તેલ ભરેલ ટેન્કર પલ્ટી ખાતાની સાથે આ બનાવની જાણ આ વિસ્તારના સ્થાનીક રહીશોને થતાં આસપાસના લોકો હાથમાં વાસણો, પ્લાસ્ટીકના કારબા લઈ ખાદ્ય તેલ ભરવા દોડી ગયાં હતાં. ખાદ્ય તેલની લુંટ ચલાવવા આસપાસના લોકોમાં દોડાદોડીના દ્રશ્યો પણ સર્જાયાં હતાં. સદ્નસીબે કોઈ પ્રકારની જાનહાની થવા પામી ન હતી.
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ધીમે ધીમે અકસ્માત ઝોન બની રહ્યો છે ત્યારે આજરોજ વહેલી સવારે દાહોદ તાલુકાના કાળી તળાઈ નજીક આવેલી હોટલ સતી તોરલ પાસે આવેલા પુલ પર ગાંધીધામ થી નાગપુર તરફ જઇ રહેલો તેલ ભરેલો ટેન્કરનું બ્રેક ફેઈલ થતાં ખાદ્ય તેલ ભરેલા ટેન્કર પલ્ટી મારી પુલની નીચે ખાબકી ગયું હતું. ટેન્કરમાં ભરેલો ખાદ્ય તેલ જમીન પર ઢોળાઈ જતા આસપાસના ગામના લોકો વાસણો લઈ જમીન પર ઢોળાયેલા તેલ લેવા ઉમટી પડ્યા હતાં. આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાનિ પહોંચી નહોતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો તાબડતોડ સ્થળ પર પહોંચી જઈ સ્થિતીને કાબુમાં લીધી હતી અને જેઓ ખાદ્ય તેલની લુંટ ચલાવવા દોડાદોડી કરી રહ્યાં હતાં તેવા આસપાસના લોકો પોલીસને જાેઈ જે હાથમાં આવ્યું તે લઈને ભાગતાં પણ જાેવા મળ્યાં હતાં. સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.