દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતોના ત્રણ બનાવોમાં ત્રણના મોત : ત્રણ ઘાયલ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં એક ૧૦ વર્ષીય બાળક સહિત ત્રણ જણાના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બંન્ને બનાવ સંદર્ભે જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના લીમડી ગામે રામજી મંદિર ફળિયામાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૪મી ઓક્ટોમ્બરના રોજ આ વિસ્તારમાં ભુપેન્દ્રભાઈ બિહારીદાસ વૈરાગીના તબેલામાં મજુરી કામ કરી રહેલ એક ટ્રેક્ટરની ઉપર ૧૦ વર્ષીય શિવાભાઈ સુરેશભાઈ ડિંડોર (રહે. સુડીયા, તળાવ ફળિયું, તા. સીંગવડ, જિ.દાહોદ) નો ટ્રેક્ટર ઉપર ચઢી પાણીની પાઈપ કાઢતો હતો. આ દરમ્યાન શિવાભાઈ અકસ્માતે ટ્રેક્ટર પરથી નીચે પટકાયો હતો અને આ દરમ્યાન ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર રિવર્સ લેતાં નીચે પટકાયેલ શિવાભાઈ ઉપર ટ્રેક્ટરનું પૈડું ચઢી જતાં શિવાભાઈને તાત્કિલાક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં પરંતુ જ્યાં સારવાર દરમ્યાન શિવાભાઈનું શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓને પગલે મોત નીપજતાં આ સંબંધે શારદાબેન સુરેશભાઈ ડિંડોર દ્વારા ટ્રેક્ટરના ચાલક વિરૂધ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામે નેશનલ હાઈવે ખાતે ગત તા.૨૪મી ઓક્ટોમ્બરના રોજ બનવા પામ્યો હતો જેમાં મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર ખાતે રહેતો એક પરિવાર પોતાની ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ પંચેલા ગામેથી પસાર થઈ રહ્યોં હતો. આ દરમ્યાન એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ફોર વ્હીલર ગાડીને જાેશભેર ટક્કર મારતાં ફોર વ્હીલર ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર રમેશભાઈ બાપુભાઈ પ્રજાપત, સરલાબેન હિંમતસિંહ પુરોહીત, જયાબેન રમેશભાઈ પ્રજાપત, માહીબેન રમેશભાઈ પ્રજાપત, શશીકલાબેન રાજુભાઈ પુરોહીત, સિધ્ધાર્થભાઈ રાજુભાઈ પુરોહીતનાઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તમામને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન રમેશભાઈ અને સરલાબેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર ખાતે રહેતાં કમલેશભાઈ બાપુભાઈ પ્રજાપત દ્વારા પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.