દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે જી.આર.ડી. જવાન રૂા.૭ હજારની લાંચ લેતાં રંગેહાથે એ.સી.પી.ના હાથે ઝડપાયો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે જી.આર.ડી.ના નવા સભ્યને ફરજ પર હાજર થવા માટે એક જી.આર.ડી. જવાન દ્વારા રૂા.૭ હજારની લાંચની માંગણી કરતાં આ લાંચની રકમ નવા જી.આર.ડી. જવાન આપવા ઈચ્છતાં ન હોઈ તેઓએ દાહોદ એ.સી.બી. પોલીસને સંપર્ક કરતાં એ.સી.બી. પોલીસે ગાંગરડી પોલીસ ચોકી ખાતે છટકું ગોઠવી લાંચીયા જી.આર.ડી. જવાનને રંગે હાથે રૂા.૭ હડારની લાંચ લેતાં ઝડપી પાડતાં દાહોદ જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ જુન-૨૦૨૦ માં જી.આર.ડી. ના નવા સભ્યોની ભરતીમાં એક યુવકની પસંદગી થઈ હતી. આ યુવકે તાલીમ લીધા બાદ જી.આર.ડી. સભ્ય તરીકે ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે નિમણુક થઈ હતી જેથી યુવક તારીખ ૦૪.૧૦.૨૦૨૧ ના રોજ પોલીસ ચોકી, ગાંગરડી ખાતે જી.આર.ડી. સભ્ય રામસીંગભાઈ ખાતીયાભાઈ ભુરીયાને હાજર થવા માટે મળેલ ત્યારે રામસીંગભાઈ ખાતીયાભાઈ ભુરીયાએ યુવકને જણાવેલ કે, જાે આવતાં મહિનાથી નોકરી ઉપર હાજર થવુ હોય તો રૂા.૭,૦૦૦ આપવા પડશે તારી પાસે તા.૩૦.૧૦.૨૦૨૧ સુધીનો સમય છે તેમ જણાવતાં આ લાંચની રકમ યુવક રામસીંગભાઈને આપવા માંગતો ન હોય યુવકે દાહોદ એ.સી.બી. પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને ફરીયાદ કરી હતી. આ સમગ્ર મામલે દાહોદ એ.સી.બી.ના પોલીસ ઈન્સ્પેક્ટર પી.કે. અસોડા અને તેમના સ્ટાફે ગરબાડા તાલુકાના ગાંગરડી પોલીસ ચોકી ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું અને આજરોજ આ છટકા દરમ્યાન જી.આર.ડી. સભ્ય રામસીંગભાઈ ખાતીયાભાઈ ભુરીયા યુવક પાસેથી રૂા. ૭ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ જતાં પોલીસ દાહોદ જિલ્લા પોલીસ આલમમાં આ સમાચાર વાયુવેગે ફેલાતાં લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામી હતી.

