દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં બેના મોત નીપજ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે જુદા જુદા બનાવોમાં બે જણાના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના ખરેડી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૪મી સપ્ટેમ્બરના રોજ ખરેડી ગામે ભાભોર ફળિયામાં રહેતાં મોહનભાઈ જાફડાભાઈ ભાભોર પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ખરેડી ગામેથી ચાકલીયા રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન એક અજાણ્યા મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોહનભાઈની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં મોહનભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન ગતરોજ મોહનભાઈનું મોત નીપજતાં આ સંબંધે ખરેડી ગામે ભાભોર ફળિયામાં રહેતાં હિતેશભાઈ મોહનભાઈ ભાભોરે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ગરબાડા તાલુકાના ગાંગરડી રોડ ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૯મી ઓક્ટોમ્બરના રોજ ગરબાડા નગરમાં પોલીસ સ્ટેશનની પાછળ રહેતાં ૫૯ વર્ષીય પાર્વતીબેન રામસીંગભાઈ રાઠોડ ગાંગરડી રોડ પરથી ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પાર્વતીબેનને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં પાર્વતીબેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન ગતરોજ પાર્વતીબેનનું મોત નીપજતાં આ સંબંધે ગરબાડા નગરમાં પોલીસ સ્ટેશનની પાછળ રહેતાં હીમસીંગભાઈ મંગાભાઈ રાઠોડે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

