દેવગઢ બારીયાના રમતગમત સંકુલ ખાતે નિરામય ગુજરાત અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો : સર્વે સન્તુ નિરામયાનો સંકલ્પ સાકાર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ – વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારા
દાહોદ તા. ૧૨
બિનચેપી રોગોને ઉગતા જ ડામવા માટે નિદાનથી લઇને સારવાર સુધીની આરોગ્યસેવાઓ વિનામૂલ્યે જનજન સુધી પહોંચતા કરવાના મહાઅભિયાન ‘નિરામય ગુજરાત’નો દાહોદ જિલ્લામાં વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારાએ દેવગઢબારીયા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. નિરામય ગુજરાત મહાઅભિયાન થકી રાજ્ય સરકારે જનઆરોગ્ય પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વધુ એક વાર દર્શાવી છે તેમ દંડક શ્રી કટારાએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, રાજ્યના ૩૦ થી વધુ ઉંમરના ૩ કરોડ લોકોને આ યોજના અંતર્ગત નિદાનથી લઇને સારવાર સુધીની તમામ આરોગ્ય સેવાઓ નિ:શુલ્ક આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ડાયાબિટીસ, બલ્ડપ્રેશર, હ્રદય રોગ, મોઢાનું, સ્તન તેમજ સર્વાઇકલ કેન્સર જેવા બિનચેપી રોગોથી પણ નાગરિકો દૂર રહે તે માટે આ અભિયાન પ્રારંભ કરવામાં આવ્યું છે. રોગના પ્રારંભિક સમયમાં જ જો તેનું નિદાન થઇ જાય તો ઝડપથી વ્યક્તિને સ્વસ્થ કરવામાં સફળતા મળે છે. આ માટે દરેક શુક્રવારે નિરામય દિવસ તરીકે નાગરિકોના નિદાન-સારવાર કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, વ્યક્તિની જીવનશૈલીની તેના સ્વાસ્થ્ય ઉપર ખૂબ મોટી અસર થાય છે. માટે જીવનશૈલીમાં પણ આમુલ પરિવર્તન લાવવું જરૂરી છે. રાજ્ય સરકાર નિરામય ગુજરાત અભિયાનનો પ્રારંભ કર્યો છે ત્યારે જિલ્લાના નાગરિકો પણ આ યોજનાનો મોટી સંખ્યામાં લાભ લે. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ગરીબ વ્યક્તિઓની રૂ. ૫ લાખ સુધીની નિ:શુલ્ક સારવાર કરવામાં આવે છે. માટે સૌએ યોજનાઓ પ્રત્યે જાગૃક બની તેનો વધુમાં વધુ લાભ લેવો જોઇએ.
પૂર્વમંત્રી અને ધારાસભ્ય શ્રી બચુભાઇ ખાબડે આ પ્રસંગે જણાવ્યું કે, નિરામય ગુજરાત બને એ રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે ત્યારે નાગરિકોએ પણ આ યોજનાનો લાભ લેવો જોઇએ. જિલ્લામાં ૩૦ હજારથી વધુ લોકોએ આયુષ્યમાન માં યોજના અંતર્ગત રૂ. ૫૧ કરોડની સારવાર કરવામાં આવી છે. માટે આ કાર્ડ પણ લોકોએ વહેલી તકે લઇ લેવું જોઇએ.
કાર્યક્રમ સ્થળે નિરામય દિવસ અંતર્ગત આરોગ્યકેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં કોવીડ વેક્સિન તેમજ આયુષ્યમાન કાર્ડ થી લઇને ડાયાબિટીશ, બ્લડપ્રેશર, માનસિક રોગ જેવા રોગોના નિદાન અને સારવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લાભાર્થીઓને નિરામય કાર્ડ તેમજ ડીજીટલ હેલ્થ હેલ્થ આઇ.ડી., તેમજ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા હતા. તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું.
આ વેળાએ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી અશ્વિનભાઇ, દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ ડો. ચાર્મીબેન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પટેલ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.