લોકહિતમ કરણીયમના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરતા નોખી માટીના અધિકારીઓ : કચેરીના સમય બાદ દારૂણ પરિસ્થિતિમાં જીવન નિર્વાહ કરતા લોકો જોડે મુલાકાત કરી રાહત કીટ, તેમજ મીઠાઈઓ વિતરણ કરી સરકારી લાભો અપાવવા પ્રયાસો હાથ ધર્યા : જિલ્લા વિકાસ અધિકારીએ ફળીયાની મુલાકાત દરમિયાન બીમારીથી ત્રસ્ત બાળકો તેમજ વ્યક્તિઓને તાબડતોડ મેડિકલ સુવિધા પુરી પાડી
દાહોદ તાલુકાના છાપરી ગામમાં ખુબ જ દારૂણ પરિસ્થિતિમાં જીવન વ્યતિત કરતા 65 થી 70 જેટલાં પરિવારોની જિલ્લા વિકાસ અધિકારી તેમજ નાયબ પુરવઠા મામલતદારના કર્મચારીઓની ટીમે ઓફિસ ટાઈમ બાદ મોડી સાંજે મુલાકાત લઇ રાહતકીટ તેમજ મીઠાઈ વિતરણ કરી જરૂરિયાત મંદ લોકો ને સ્થળ પર જ મેડિકલ તેમજ સરકાર સહાય પૂરી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીનો સર્વાંગી વિકાસ થાય તેમજ આંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરતા લોકો સુધી સરકારશ્રી ના મળતા તમામ યોજનાકીય લાભો પહોંચે તે માટે રાત્રી ગ્રામ સભા, સેવા સેતુ તેમજ કેમ્પો તેમજ શિબિરનું આયોજન કરવામાં આવે છે. તેમ છતાંય કેટલાક વિસ્તારોમાં આજે પણ લોકો ખુબ જ દારૂણ પરિસ્થિતિમાં જીવન નિર્વાહ કરવા મજબુર બન્યા છે.આ લાભો છેવાડાના માનવી સુધી ન પહોંચાડવા માટે કદાચ સરકારી બાબુઓની આળસ, સ્થાનિક આગેવાનો સરપંચ તેમજ લોકલ નેતાઓની ઇચ્છાશક્તિના અભાવે કહો કે કોઈ ટેકનીકલ કારણોસર ઘણી ખરી જગ્યાએ અંતિમ માનવી સુધી સરકારના લાભ પહોંચી ન લખતા તેનો સર્વાંગી વિકાસ અટકી જાય છે જેના લીધે વિકાસની મુખ્યધારામાંથી વિખૂટો પડી જાય છે. ત્યારે આવા છેવાડાના દરિદ્ર નારાયણ સમાન ગણાતા ગરીબ અને દારૂણ આ પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરતા લોકોના મદદ માટે તત્પર રહેનાર નોખી માટીના અધિકારી જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર જેઓ પોતે પણ ભૂતકાળમાં હવે પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યા છે. અને બીજા દાહોદના નાયબ પુરવઠા મામલતદાર હાર્દિક જોશી આ બંને અધિકારીઓએ છેવાડાના માનવી કે જેઓ ખરેખર વિકાસની મુખ્યધારા થી વિખુટા પડી દારૂણ પરિસ્થિતિમાં જીવન નિર્વાહ કરી રહ્યા છે. તેઓને સરકારના તમામ સરકારી યોજનાકીય લાભ અપાવી શકાય તે હેતુથી આ બંને અધિકારીઓએ ગઈકાલે સાંજે દાહોદ તાલુકાના છાપરા ગામના થોરી ફળિયામાં વસવાટ કરતા આદિવાસી તેમજ વણઝારા સમુદાયના ૪૫થી ૬૫ જેટલા ઘરોની મુલાકાત લેતા તેમાંથી કેટલાક લોકોને કોઈક ને કોઈક ગંભીર બિમારીથી પિડાતા અને કાચા મકાનોમાં ખૂબ જ કંગાળ પરિસ્થિતિમાં વસવાટ કરતા લોકો જોડે મુલાકાત કરી સર્વે હાથ ધરી કોઈકને પ્રધાનમંત્રી આવાસ, સોચાલય, આયુષ્યમાન કાર્ડ, શાળામાં ભણતા બાળકોને શિષ્યવૃત્તિ તેમજ અનાજ, રાશનકાર્ડ સહિતના લાભો મળી શકે તે માટે તાબડતોડ મેડિકલ સહિતની સુવિધા પ્રાપ્ત કરાવી દિવ્યાંગ તેમજ શારીરિક ખોડખાપણ ન ધરાવતા લોકોને રાહતકીટ તેમજ મીઠાઈઓ વહેંચી લોકહિતમ કરણીયમના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યો હતો.