દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓને મોત

દાહોદ તા.૧૭

દાહોદ જિલ્લા બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો જ્યારે ત્રણ વ્યÂક્તઓને ઈજાઓ થતાં સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના ખરોડ ગામે ગત તા.૧૫મી નવેમ્બરના રોજ બનવા પામ્યો હતો જેમાં એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન રાત્રીના દશેક વાગ્યાના આસપાસ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ એક એક્ટીવા ટું વ્હીલર પર સવાર અને દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે ટીંડોરી ફળિયામાં રહેતાં મનોજભાઈ, દીપલબેન અને શારદાબેનને અડફેટમાં લેતાં ત્રણેય જણા એક્ટીવા ટું વ્હીલર ગાડી પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે શારદાબેન (ઉ.વ. ૫૦)ને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે મનોજભાઈ અને દીપલબેનને ઈજાઓ થતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે ઉસરવાણ ગામે રહેતાં બાબુભાઈ વેલજીભાઈ બારીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજા બનાવ ધાનપુર તાલુકાના હરખપુર ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૫મી નવેમ્બરના રોજ ધાનપુર તાલુકાના ગાહેલવાગા ગામે રહેતો પારૂભાઈ નવલાભાઈ મોહનીયાએ પોતાના કબજાની મોટરસાઈકલ બપોરના ૨ વાગ્યાના આસપાસ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ ગાહેલવાગા ગામે આમલી ફળિયામાં રહેતાં લક્ષ્મણભાઈ છનગભાઈ પલાસની મોટરસાઈકલને જાશભેર ટક્કર મારતાં લક્ષ્મણભાઈ મોટરસાઈકલ સાથે જમીન પર ફંગોળાતાં તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન લક્ષ્મણભાઈનું મોત નીપજતાં આ સંબંધે ગાહેલવાગા ગામે આમલી ફળિયામાં રહેતાં પ્રતાપભાઈ મગનભાઈ પલાસ દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: