દેવગઢ બારીઆ તાલુકાના ભુવાલ ગામે ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા મોટરસાયકલ પર સવાર 2 યુવકોના ઘટનાસ્થળ પર કમકમાટી ભર્યા મોત નીપજ્યા
દાહોદ તા.18
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભુવાલ ગામએ ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા મોટરસાયકલ પર સવાર બે આશાસ્પદ યુવકોના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યાં મોત નિપજતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા.
ભુવાલ ગામેથી એક લાકડા ભરેલી ટ્રક પસાર થઇ રહી હતી અને તે જ સમયે ત્યાંથી એક મોટરસાયકલ પર સવાર બે યુવકો પણ પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન ટ્રક અને મોટરસાયકલ બંને સામસામે આવી જતા મોટરસાયકલ પર સવાર બંને યુવકો ટ્રક સાથે ધડાકાભેર અથડાતા મોટરસાયકલ પર સવાર બંને યુવકોને શરીર તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળ પર જ બન્ને યુવકોના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. ઘટનાની જાણ મૃતક યુવકોના પરિવારજનો તેમજ સ્વજનોની થતાં તેઓ તાબડતોડ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘટના સ્થળ પર જ કરુણાંતિકા છવાઈ ગઈ હતી ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા પણ ઉમટી પડ્યા હતા અને આ અંગેની જાણ સ્થાનિક પોલીસને પણ કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી.