કુવામાં ગઇકાલે રાતથી એક દિપડો અને બિલાડી ખાબક્યા હતા
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભે પાટીયા ગામે અવાવરૂ કુવામાં ગઇકાલે રાતથી એક દિપડો અને બિલાડી ખાબક્યા હતા. આ બનાવ બાદ આ બંન્નેને બચાવવા માટે વનવિભાગ દ્વારા રાત્રીના સમયે જ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતુ. રાત્રીના સમયે દિપડાને વન વિભાગના કર્મચારીઓની ભારે જહેમત બાદ કુવામાંથી બહાર કાઢી જંગલમાં છોડી મુકતા ગ્રામજનો સહિત કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો હતો.

ગરબાડા તાલુકાના ભે ગામના ભાગોળ ફળિયામાં આવેલ પાણી વગરના એક અવાવરૂ કુવામાં ગઇકાલે તારીખ ૧લીની રાત્રીના સમયે જંગલ વિસ્તારમાંથી શિકારની શોધમાં એક દિપડો ગામમાં આવી પહોંચ્યો હતો.અંધારામાં આ દિપડો અવાવરૂ કુવામાં ખાબકયો હતો, તે જ દરમિયાન એક બિલાડી પણ આજ કૂવામાં પડી હતી. આજે સવારે સ્થાનીક રહીશોને દિપડાની ત્રાડ સંભળાતા તેઓ કૂવા પાસે ધસી ગયા હતા. ઘટનાને પગલે સવારથી જ વનવિભાગની ટીમ સ્થળ પર પહોચી ગઇ હતી. બીજી તરફ દિપડો અને બિલાડી કૂવામાં આખી રાતથી પડ્યા હોવાના જાણ થતાં આસપાસના રહીશોના ટોળા સ્થળ પર પહોચી ગયા હતા. વન વિભાગના કર્મચારી દ્વારા ગામના તમામ લોકોને ઘરોમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. તેમના મકાનો બંધ રાખવાનું પણ જણાવવામાં આવ્યુ હતુ ત્યાર બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. આ ઓપરેશન ગતરોજ રાત્રીના ૮ કલાકે શરૂ કરવામાં આવ્યુ હતુ. આ ઓપરેશનમાં ગરબાડા વન વિભાગના ૧૦ તેમજ વાંસીયા ડુંગરીના ૬ કર્મચારીઓ એમ કુલ મળી ૧૬ કર્મચારીઓ આ ઓપરેશનમાં લાગ્યા હતા. રાત્રીના ૯.૩૮ કલાકે વન વિભાગની ભારે જહેમત અને મહેનત બાદ દિપડાને હેમખેમ કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને નજીકના જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો જ્યારે જાણવા મળ્યા અનુસાર બિલાડી કુવામાં જ ડરીને જ મરી ગઈ હતી.
