દાહોદ એપીએમસી વિસ્તારમાં કારમાં આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી
દાહોદ તા.25
દાહોદ શહેરમાં આવે એપીએમસી વિસ્તાર ખાતે આજરોજ સાંજના સમયે એક કારમાં અકસ્માતે આગ લાગી જતા વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. દાહોદ ફાયરના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આજરોજ સાંજના સમયે દાહોદ એપીએમસી વિસ્તારમાં ઉભી કરેલી કારમાં અચાનક આકસ્મિક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કરતાં સંપૂર્ણ ગાડી આગની અગન જ્વાળાઓ લપેટમાં આવી ગઈ હતી. આ ઘટનાની જાણ સ્થાનિકોમાં થતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને આગ ઓલવવા લોકોમાં દોડધામ પણ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ દાહોદ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પાણીનો ભારે મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ત્યારે સદ્નસીબે લાગેલ આગમાં કોઈ જાનહાની ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ આગ કારણસર લાગી તે રહસ્ય હજુ પણ અકબંધ છે ત્યારે લોકોમાં તરેહ તરેહની ચર્ચાએ ભારે જોર પકડયું હતું.

