કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે મોડી રાત સુધી અને ઘોંઘાટીયા ડીજે સામે કડક ચેતવણી આપી : લગ્ન પ્રસંગમાં બિનજરૂરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ડીજે સંચાલકો સામે કડક કાર્યવાહી કરાશે
દાહોદ, તા.01
દાહોદ જિલ્લાના કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે એક સયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, જિલ્લામાં અત્યારે મોટા પ્રમાણમાં લગ્ન પ્રસંગોનું આયોજન થઇ રહ્યું છે ત્યારે ડીજે સંચાલકો બિનજરૂરી ધ્વનિપ્રદૂષણ ન ફેલાવે અને ધ્વનિ નિયંત્રણ બાબતના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરે. સરકારના ડીજે બાબતે નક્કી કરેલા નિયમોનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લગ્નપ્રસંગોમાં ડીજે સંચાલકો બેફામ થઇને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોય છે ત્યારે તેમની બેદરકારી સામે કડક ચેતવણી આપતા તેમણે જણાવ્યું કે, લગ્નપ્રસંગમાં ડીજે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર નિયત ડેસીબલ અનુસાર જ વગાડી શકાય છે. આ નિયમોનું ઉલ્લઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે અનુસાર તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.
તેમણે ઉમેર્યું કે, સરકાર દ્વારા કોવીડ પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે અને શુભ પ્રસંગોમાં પણ છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ નાગરિકો આ છૂટછાટનો દૂરઉપયોગ ન કરે અને સરકારના નિયત સંખ્યા, માસ્ક સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરે. લગ્નપ્રસંગે વગાડવામાં આવતા ડીજે ફક્ત રાતના ૧૦ વાગ્યા સુધી જ વગાડી શકાશે.
ડીજે નિયત ધ્વનિથી વધુ ઉંચા વગાડતા સામાન્ય નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો, દર્દીઓ માટે આ ધ્વનિ પ્રદૂષણ સ્વાસ્થને નુકશાનકારક પણ બને છે. ઉત્સવના ઉમંગમાં કોઇના સ્વાસ્થ માટે હાનિકારક ન બને એનું ખાસ ધ્યાન રાખવું. માટે ડીજે સંચાલકો સમજીને નિયત મર્યાદા અનુસાર જ ડીજે વગાડે. મોડી રાત સુધી ડીજે વગાડવા કે ઊંચા સ્વરે ડીજે વગાડનારને આ બાબતે બક્ષવામાં નહીં આવે તેમ સપષ્ટ સમજી લેવું.
૦૦૦