દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ માટે જિલ્લા તંત્ર સજ્જ : ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં વિક્ષેપ ઊભો કરનાર સામું પાસા સહિતના કડક પગલા લેવાશે
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે ગામના આગેવાનો-અગ્રણીઓ ચૂંટણી શાંત માહોલમાં યોજાય એ માટે સહકાર આપવા કરી અપીલ
૦૦૦
દાહોદ જિલ્લાના કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે એક સયુક્ત નિવેદનમાં જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ અંગે માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લામાં કાયદાના કડક બંદોબસ્ત વચ્ચે તમામ ચૂંટણી પ્રક્રિયાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સજ્જ છે અને આ માટેનું તમામ આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે, આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નાગરિકો શાંત વાતાવરણમાં મતદાન કરી શકે એ માટેની તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વાતાવરણને ડહોળવા માંગતા લોકો સામે સખત પગલા લેવામાં આવશે. યુવાનો પણ ખાસ કાળજી રાખે અને કોઇ ગેરમાર્ગે ન દોરાય.
તેમણે જણાવ્યું કે, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ગેરકાનુની કૃત્યો કરનાર સામું સખત અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા અને તેમની પાસા એક્ટ હેઠળ અટકાયત કરાઇ હતી. આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં અવ્યવસ્થા સર્જવા માંગતા લોકો સામે સખત પગલા ભરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયામાં કોઇ પણ જાતનો વિક્ષેપ ઊભો કરનાર યુવાનોને સરકારી નોકરી, પાસપોર્ટ સહિતની સુવિધાઓથી પણ વંચિત બનશે. માટે આવા લોકો અત્યારથી જ ચેતી જાય અને આવા કોઇ પણ કૃત્યમાં ન જોડાય.
તેમણે ઉમેર્યું કે, ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ગામના આંગેવાનો, અગ્રણીઓ સહકાર આપે. કાયદો વ્યવસ્થા તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થાય એ માટે ગ્રામજનોનો સહકાર અનિવાર્ય છે. ગામના આંગેવાનો-અગ્રણીઓ આ બાબતે પહેલ કરે અને તંત્રને સહકાર આપે એ અપેક્ષિત છે.
૦૦૦


