દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં 1 ડિસે. સુધીમાં સરપંચપદના 260 : સભ્યોના 650 ફોર્મ ભરાયા
4 તારીખ છેલ્લી હોવાથી આ ત્રણ દિવસ ઉમેદવારી માટે ભારે ધસારો થશે
જિલ્લામાં 353 પંચાયતોની સામાન્ય ચુંટણી 19 ડિસે.યોજાનાર છે.
દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીઓને લીધે રાજકીય ગરમાવો વધી રહ્યો છે.ત્યારે તારીખ 1 ડિસેમ્બર સુધીમાં જિલ્લામાં સરપંચના 260 અને સભ્યોના 650 ઉમેદવારી પત્રો ભરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.આ ત્રણ દિવસોમાં ઉમેદવારી માટે ભારે ભીડ જામશે તેમ લાગી રહ્યુ છે.કારણ કે તારીખ 4 ડિસેમ્બર ઉમેદવારી માટેની અંતિમ તારીખ છે.
દાહોદ જિલ્લામાં આગામી 19 ડિસેમ્બરે કુલ 353 ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણીઓ યોજાનાર છે.જેમાં 353 સરપંચ અને 3282 વોર્ડ સભ્યો માટે ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી ચાલી રહી છે.જાહેરનામુ બહાર પડતાની સાથે જ ઉમેદવારી નોંધાવવાનું શરુ થઇ ગયુ છે ત્યારે બે ગ્રામ પંચાયતોમાં સરપંચ અને અન્ય બે પંચાયતોમાં બે વોર્ડ સભ્યો માટેની પેટા ચુંટણી પણ તેની સાથે જ યોજાનાર છે.
જ્યારથી ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થયો ત્યારથી તારીખ 1 ડિસેમ્બર સુધીમાં જિલ્લામાં સરપંચ પદ માટે 260 ઉમેદવારી પત્રો ભરાઇ ચુક્યા છે.તેવી જ રીતે પંચાયતોના સભ્યો માટે 650 ફોર્મ ભરાયા હોવાની માહિતી જિલ્લા ચુંટણી શાખામાંથી પ્રાપ્ત થઇ છે.હવે તારીખ 4 ડિસેમ્બર ઉમેદવારી માટેની અંતિમ દિવસ છે ત્યારે આ ત્રણ દિવસોમાં ઉમેદવારી માટે ધસારો વધશે તે નિશ્ચિત છે.તાલુકા પંચાયતો તેમજ મામલતદાર કચેરીઓમાં ભીડ જામી રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

