દાહોદ જિલ્લામાં હોર્ન કેન્સર જેવા પ્રાણઘાતક રોગથી એક બળદનો જીવ બચાવતી ફરતા પશુ દવાખાનાની પશુચિકિત્સક ટીમ
દાહોદ તા.૧૦
માત્ર મનુષ્યો જ નહીં, પશુઓ પણ કેન્સર જેવા પ્રાણઘાતક રોગના શિકાર થતા હોય છે. દાહોદ જિલ્લાના દેવગઢબારીયામાં એક બળદને હોર્ન કેન્સર – શીંગડાના ભાગે કેન્સરનું નિદાન થયું હતું. રાજ્ય સરકારના ફરતા દવાખાનાની દાહોદ જિલ્લાની પશુચિકિત્સક ટીમ દ્વારા લાગલગાટ ત્રણ કલાકના ઓપરેશનથી આ મૂકપશુને જીવંતદાન મળ્યું છે.
દેવગઢબારીયાના ખાંડનીયા ગામે રહેતા કેશુભાઇ બારીયાના બળદને શિંગડાના ભાગે લોહીનો બગાડ આવતો હતો. તેમણે ૧૯૬૨ નંબર ડાયલ કરીને આ અંગે ફરતા પશુદવાખાનાની મદદ માંગી હતી. પશુ દવાખાનાના ડો. તેજેન્દ્રકુમાર બારીયા તાત્કાલિક અહીં પહોંચી ગયા હતા અને બળદના રોગનું નિદાન કરતા તે કેન્સર હોવાનું જણાયું હતું. આ પરિસ્થિતિમાં બળદને બચાવવા માટે તાત્કાલિક ઓપરેશનની જરૂરિયાત હોય ત્રણ કલાક ચાલેલા ઓપરેશનમાં પશુચિકિત્સક ટીમની અથાગ મહેનત રંગ લાવી હતી અને બળદનો બચાવ થયો હતો. આ માટે બળદના શિંગડાને કાપવાની જરૂર પડી હતી અને આ મૂંગા પશુનો જીવ બચાવી શકાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનાની યોજના ચાલે છે જેમાં દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા તાલુકાનાં સાગટાલા ગામમા રાજ્ય સરકાર દ્વારા એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. એમાં નજીકના દસ ગામ આવરી લેવામાં આવ્યા છે.