દેવગઢ બારિયા તાલુકાના આમલી પાણી છોત્રા ગામની મહિલા ઉપર આંબાખૂટ ના જંગલમાં રીંછે હુમલો કરતાં મહિલાનું ઘટનાસ્થળે મોત વન વિભાગે કાર્યવાહી હાથ ધરી
દાહોદ તા.11
દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા નજીક જંગલમાં ઢોર ચરાવવા ગયેલી ૪૩ વર્ષની મહિલા પર વન્ય પ્રાણી રીછએ હુમલો કરતા વન્ય જીવના હુમલાથી લોહીલુહાણ થયેલી મહિલાનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે. મહિલાના મોતને પગલે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો જ્યારે હિંસક પ્રાણીના હુમલાને પગલે પંથકમાં ભયનું વાતાવરણ પણ ફેલાવા પામ્યો છે.
વધુ મળતી માહિતી દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા નજીક ગઈકાલે સાંજના 4 વાગ્યાંના સુમારે આંબાખુંટના જંગલોમાં બળતણ લાકડા તેમજ ઢોર ચરાવવા ગયેલી 43 વર્ષીય સજલીબેન મશરૂભાઈ રાઠવા નામક મહિલા પર વન્યપ્રાણી રીછએ હુમલો કરતા વન્ય પ્રાણીના હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. વન્ય પ્રાણીના આતંકને પગલે આસપાસના વિસ્તારમાં ભયની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે જયારે વન્ય પ્રાણીના હુમલામાં મોતને ભેટેલી મહિલાના પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યો છે. બનાવ સંદર્ભની જાણ વનવિભાગને કરાતા વનવિભાગના દેવગઢ બારિયા તાલુકાના નાયબ વન સંરક્ષક, આર.એફ.ઓ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી મહિલાના મૃતદેહને કબજો લઇ પીએમ અર્થે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બનાવમાં વિભાગ દ્વારા સાંજના સમયે એકલા એકલદોકલ જંગલ વિસ્તારમાં કરવાનું ટાળવા તેમજ ખૂબ જરૂરી હોય તો સમૂહમાં જંગલ વિસ્તારમાં ટોર્ચ લઇ પસાર થવા અપીલ કરાઇ હતી. દાહોદ જિલ્લામાં ખાસ કરીને દેવગઢબારિયા જેવા ગાઢ જંગલ વિસ્તાર તેમજ જિલ્લામાં આવેલ અન્ય ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દિપડા જેવા હિંસક પ્રાણીઓએ દેખા દીધી હતી અને ઘણા બનાવવામાં માનવજાત પર હુમલાના બનાવ બનવા પામ્યા છે.