દાહોદની તોયણી પ્રાથમિક શાળામાં 6 વર્ષની બાળકીની હત્યા કેસ:આચાર્ય ગોવિંદ નટ વિરુદ્ધ દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા કેસમાં આજે લીમખેડા કોર્ટે ચુકાદો આપવાનું ટાળ્યું
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાં 19 સપ્ટેમ્બર, 2024ના રોજ બનેલી હૈયું હચમચાવી દે તેવી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ ઘટનામાં શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા 6 વર્ષની માસૂમ બાળકી, જે ધોરણ-1માં અભ્યાસ કરતી હતી, તેના પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં આજે, ૦૯ મે , 2025ના રોજ લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ચુકાદો આપવાનું ટાળ્યું છે. કોર્ટે આ કેસનો ચુકાદો આગામી 25 મે, 2025ના રોજ સંભળાવવાની શક્યતા દર્શાવી છે. આજે આરોપી ગોવિંદ નટને પોલીસ જાપ્તામાં કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, પરંતુ ચુકાદો ન આવતાં તેને પરત જેલમાં મોકલવામાં આવ્યો છે. ત્યારે આવો જોઈએ શું છે સમગ્ર મામલો ?
ગત 19 સપ્ટેમ્બર, 2024ના રોજ પીપળીયા ગામની 6 વર્ષની બાળકી, જે તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ-1માં અભ્યાસ કરતી હતી, રોજની જેમ સવારે શાળાએ ગઈ હતી. તેની માતાએ તેને શાળાના આચાર્ય ગોવિંદ નટની કારમાં બેસાડી હતી, જે બાળકોને શાળાએ લઈ જવાની જવાબદારી નિભાવતો હતો. શાળાનો સમય સાંજે 5 વાગ્યે પૂરો થતો હતો, પરંતુ બાળકી ઘરે પરત ન ફરી. ચિંતાતુર પરિવારજનોએ શાળાએ જઈને શોધખોળ શરૂ કરી. શાળાના કમ્પાઉન્ડની દીવાલ અને ઓરડાની પાછળના ભાગે બાળકી બેભાન હાલતમાં મળી આવી. તેને તાત્કાલિક સિંગવડ સરકારી દવાખાને લઈ જવામાં આવી, જ્યાંથી લીમખેડા સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી. ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.
પોલીસ તપાસ અને FIR
ઘટનાની જાણ થતાં રણધીકપુર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને બોલાવી તપાસ શરૂ કરી. ઝાયડસ હોસ્પિટલ, દાહોદ ખાતે બાળકીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જેમાં જાણવા મળ્યું કે બાળકીનું મોત શ્વાસ રૂંધાવાથી થયું હતું, જે હત્યાની શક્યતા દર્શાવે છે. પોલીસે પ્રાથમિક તબક્કે બાળકીના પિતાની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.
આરોપી આચાર્ય ગોવિંદ નટ
આરોપી આચાર્ય ગોવિંદ નટ
આરોપી આચાર્ય વિરુદ્ધ FIR દાખલ કરાઈ
3 ઓક્ટોબર, 2024ના રોજ સિંગવડ પોલીસ મથકે આચાર્ય ગોવિંદ નટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103(1) (હત્યા), 64(2)F (બળાત્કાર), 65(2) (નાની વયની બાળકી સામે બળાત્કારનો પ્રયાસ), 66 (ગુનાહિત ષડયંત્ર), 238 (પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ), 127(2) (ગેરકાયદેસર કૃત્ય) તેમજ POCSO એક્ટની કલમ 6 (બાળકોનું જાતીય શોષણ) હેઠળ FIR નોંધવામાં આવી હતી.
ઘટનાને લઈને પોલીસની ટેકનિકલ તપાસ
પોલીસે ગોવિંદ નટના મોબાઈલ ફોનનું ટેકનિકલ એનાલિસિસ કર્યું, જેમાં ગૂગલ ટાઈમલાઈન ડેટા દ્વારા જાણવા મળ્યું કે ઘટનાના દિવસે બાળકીને શાળાએ લઈ જવામાં રોજિંદા સમય કરતાં વધુ સમય લાગ્યો હતો. જેના પરથી આરોપી આચાર્ય ગોવિંદ નટ પર શંકા નિશ્ચિત થઈ હતી, પોલીસની પૂછપરછ દરમિયાન ગોવિંદ નટના જવાબો અસંગતતા જણાતાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
પોલીસની કડક પૂછપરછમાં આરોપીની કબૂલાત
ગોવિંદ નટે પોલીસની પૂછપરછમાં આખરે ગુનો કબૂલ્યો હતો અને તેણે જણાવ્યું કે, તેણે બાળકીને કારમાં બેસાડ્યા બાદ તેની સાથે શારીરિક અડપલાં (છેડછાડ) કરી હતી, બાળકીએ બૂમાબૂમ કરતાં તે ગભરાઈ ગયો અને તેનું મોઢું દબાવી દીધું, જેના કારણે બાળકીનું મોત થયું. ત્યારબાદ, પુરાવા છુપાવવા તેણે બાળકીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડની દીવાલ પાસે ફેંકી દીધો અને તેના ચપ્પલ વર્ગખંડની બહાર મૂકી દીધા હતા અને ઘરે જતો રહ્યો હતો.
આરોપી આચાર્યની પોલીસે કરી ધરપકડ 5 ઓક્ટોબર, 2024ના રોજ પોલીસે ગોવિંદ નટની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપી આચાર્યના રીમાન્ડ આપ્યા હતા. ત્યારબાદ ફરીથી ગોવિંદ નટને 24 સપ્ટેમ્બર, 2024ના રોજ લીમખેડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેને 27 સપ્ટેમ્બર, 2024 સુધી ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો, આ કેસની પ્રથમ મુદત 14 ઓક્ટોબર, 2024ના રોજ પડી. ત્યારથી આજે ૦૯મી મે, 2025 સુધી કુલ 36 મુદ્દતો પડી ચૂકી છે. આ કેસ હાલ લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે. પોલીસે ચાર્જશીટ તૈયાર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે, જેમાં ફોરેન્સિક રિપોર્ટ, ગૂગલ ટાઈમલાઈન ડેટા, આરોપીની કબૂલાત, અને સાક્ષીઓના નિવેદનોનો સમાવેશ થાય છે. આ કેસનો ચુકાદો હવે આગામી તારીખ 25મી મે ના રોજ થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
લીમખેડા બાર એસોસિએશને આરોપી ગોવિંદ નટનો કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો છે, જે આ ઘટના પ્રત્યે સમાજના આક્રોશને દર્શાવે છે.
સંભવિત ચુકાદો અને સજાની સંભાવનાઓ
આ કેસમાં આરોપી ગોવિંદ નટ વિરુદ્ધ નોંધાયેલી કલમો ગંભીર પ્રકૃતિની છે, અને તેના આધારે સજાની સંભાવનાઓ નીચે મુજબ છે:
BNS કલમ 103(1) – હત્યા:
આ કલમ હેઠળ દોષી સાબિત થયેલા આરોપીને આજીવન કારાવાસ અથવા ફાંસીની સજા થઈ શકે છે. આ કેસમાં બાળકીની હત્યા યોજનાબદ્ધ રીતે કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે, જેને કોર્ટ “રેરેસ્ટ ઓફ રેર” કેસ તરીકે ગણી શકે છે, જે ફાંસીની સજાને પાત્ર છે.
BNS કલમ 64(2)F – બળાત્કાર:
આ કલમ હેઠળ બળાત્કારના ગુનામાં ઓછામાં ઓછી 7 વર્ષની કેદ અથવા આજીવન કારાવાસની સજા થઈ શકે છે. બાળકીની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને કોર્ટ આ ગુનાને ગંભીર ગણી શકે છે.
BNS કલમ 65(2) – નાની વયની બાળકી સામે બળાત્કારનો પ્રયાસ:
આ કલમ હેઠળ ઓછામાં ઓછી 10 વર્ષની કેદ, જે આજીવન કારાવાસ સુધી વધી શકે છે, તેમજ દંડની જોગવાઈ છે.
POCSO એક્ટ કલમ 6 – બાળકોનું જાતીય શોષણ:
POCSO એક્ટની કલમ 6 હેઠળ ગંભીર જાતીય શોષણના કેસમાં ઓછામાં ઓછી 20 વર્ષની કેદ, જે આજીવન કારાવાસ સુધી વધી શકે છે, અથવા ફાંસીની સજા થઈ શકે છે. આ કેસમાં બાળકીની ઉંમર અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કડક સજા થવાની સંભાવના છે.
BNS કલમ 66 – ગુનાહિત ષડયંત્ર:
આ કલમ હેઠળ ગુનો કરવાની યોજના બનાવવા માટે 7 વર્ષ સુધીની કેદ અથવા દંડ થઈ શકે છે.
BNS કલમ 238 – પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ:
આ કલમ હેઠળ 7 વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ છે. આરોપીએ મૃતદેહ ફેંકી દઈને અને ચપ્પલ મૂકીને પુરાવા છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, જે આ કલમ હેઠળ ગુનો બને છે.
BNS કલમ 127(2) – ગેરકાયદેસર કૃત્ય:
આ કલમ હેઠળ 7 વર્ષ સુધીની કેદ અથવા દંડ થઈ શકે છે.
આરોપીને સંભવિત સજા:
આરોપી ગોવિંદ નટ વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદની કલમોને ધ્યાનમાં રાખીને, કોર્ટ આરોપીને ફાંસીની સજા, આજીવન કારાવાસ, અથવા લાંબા ગાળાની કેદની સજા સંભવિત રીતે આપી શકે છે. બાળકીની નાની ઉંમર, ગુનાની ગંભીરતા, અને સમાજમાં ઉભો થયેલો આક્રોશ જોતાં કોર્ટ કડક સજાનું પગલું લઈ શકે છે. POCSO એક્ટ અને BNSની કલમ 103(1) હેઠળ ફાંસીની સજાની સંભાવના સૌથી વધુ છે.
સમાજ અને રાજકીય પ્રતિક્રિયાઓ
આ ઘટનાએ દાહોદ જિલ્લામાં વ્યાપક આક્રોશ ફેલાવ્યો હતો. ફતેપુરા ભીલ પ્રદેશ મોરચા અને આદિવાસી સમાજે ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપી આરોપીને ફાંસીની સજા અને તેની મિલકતો જપ્ત કરવાની માંગ કરી હતી. ગુજરાતના રાજ્યપાલને પણ આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું.
ગુજરાત કોંગ્રેસે આ ઘટનાને રાજકીય રંગ આપતાં આરોપી ગોવિંદ નટનો ફોટો વાયરલ કરીને દાવો કર્યો કે તે વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અને ભાજપ સાથે સંકળાયેલો છે, જેના કારણે રાજકારણ ગરમાયું હતું. ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસે મૌન રેલી કાઢી અને “બેટી બચાવો, બેટી પઢાવો”ના નારા સાથે ભાજપ પર આક્ષેપો કર્યા હતા. આ રાજકીય વિવાદે સમાજમાં વધુ ચર્ચા જન્માવી હતી.
શૈક્ષણિક અને વહીવટી કાર્યવાહી
દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીએ ગોવિંદ નટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. શાળામાં બાળકોની સુરક્ષા વધારવા માટે વાલીઓએ CCTV કેમેરા, વધુ શિક્ષકોની નિમણૂક, અને સુરક્ષા સ્ટાફની માંગ કરી હતી. આ ઘટનાએ વાલીઓમાં ભયનો માહોલ ઊભો કર્યો, અને ઘણા વાલીઓએ જણાવ્યું કે, હવે તેઓ બાળકોને એકલા શાળાએ મોકલવામાં ડર અનુભવે છે. આ ઘટનાએ શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.
અત્યાર સુધીની કેસની સ્થિતિ
આ કેસે શિક્ષણ ક્ષેત્રે શરમજનક ડાઘ લગાવ્યો છે. પોલીસે ઝડપી તપાસ સાથે આરોપીની ધરપકડ કરી અને મજબૂત પુરાવા એકત્ર કર્યા, જેમાં ગૂગલ ટાઈમલાઈન, ફોરેન્સિક રિપોર્ટ, CCTV ફૂટેજ, અને આરોપીની કબૂલાતનો સમાવેશ થાય છે. 09 મે, 2025 સુધી 36 મુદતો પડી ચૂકી છે, અને આજે લીમખેડા કોર્ટમાં ચુકાદો આવવાનો હતો જોકે, કોર્ટે કેટલાક કારણોસર નિર્ણયને મુલતવી રાખ્યો છે. લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ચુકાદો આપવાનું ટાળ્યું છે. કોર્ટે આ કેસનો ચુકાદો આગામી 25 મે, 2025ના રોજ સંભળાવવાની શક્યતા દર્શાવી છે.
સમાજના વિવિધ વર્ગો, આદિવાસી સંગઠનો, અને સામાજિક કાર્યકરો દ્વારા આરોપીને કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ બાળકોની સલામતી અને શાળાઓમાં શિક્ષકોની 🎉નૈતિક જવાબદારીના મુદ્દે ગંભીર ચર્ચા શરૂ કરી છે. આ ચુકાદો ન માત્ર આ કેસનો અંત લાવશે, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે પણ એક ઉદાહરણ બની શકે છે.