એક દિવસનો પગાર સમર્પિત કરી લીમખેડા મામલતદાર કચેરીના કર્મીઓએ માનવતાની મહેક પ્રસરાવી

ચીલાકોટામાં વાવાઝોડા અને આગથી પ્રભાવિત ૩૫ પરિવારોને જીવન જરૂરી કીટ માટલા સહિતની વસ્તુઓ આપી

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે વાવાઝોડા બાદ લાગેલી ભીષણ આગની દુર્ઘટનામાં ૩૧ મકાનો બળીને ખાક થઈ ગયા, જેના કારણે ૩૫ પરિવારોની ઘરવખરી અનાજ રોકડ અને જીવન જરૂરિયાતથી વસ્તુઓ નાશ પામી. આ દુઃખદ ઘટનામાં લીમખેડા મામલતદાર કચેરીના કર્મચારીઓએ માનવતાનું અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. મામલતદાર અનિલ વસાવાના નેતૃત્વમાં કચેરીના નાયબ મામલતદાર, ક્લાર્ક, પટાવાળા, સફાઈ કામદાર અને કોમ્પ્યુટર ઓપરેટરોએ પોતાનો એક દિવસનો પગાર ઉપરોક્ત પીડિત પરિવારોને સહાય માટે સમર્પિત કર્યો. આ ઘટનાના દિવસથી જ મામલતદાર અનીલ વસાવા અને તેમની ટીમ પીડિતોની મદદ માટે સક્રિય થઈ ગઈ અને પીડિત પરિવારો માટે તાત્કાલિક ચા, નાસ્તો, અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી. વધુમાં પીડિતોના ક્ષતિગ્રસ્ત થયેલા રેશનકાર્ડ અને આધારકાર્ડ તાત્કાલિક ધોરણે ફરીથી બનાવીને વિતરણ કરાયા. કર્મચારીઓએ સ્વેચ્છાએ એક દિવસનો પગાર આપીને જીવન જરૂરિયાતની કીટ તૈયાર કરી જેમાં ચોખા, દાળ, તેલ, મરચું, મીઠું, હળદર, સાબુ અને લોટ જેવી આવશ્યક ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રોટલી બનાવવા માટેની તવી અને પાણીના સંગ્રહ માટે માટીના માટલા પણ પીડિત પરિવારોને આપવામાં આવ્યા. આ કીટ અને વસ્તુઓ પીડિત પરિવારોને સહાય તરીકે વિતરીત કરવામાં આવી. જિલ્લા કલેકટર યોગેશ નિર્ગુડે અને લીમખેડા પ્રાંત અધિકારી વાય કે વાઘેલાએ મામલતદારને પીડિતોની તમામ જરૂરિયાતો પૂરી કરવા સૂચના આપી હતી. આ સૂચનાને અનુસરીને મામલતદાર કચેરીની ટીમે યથાશક્તિ પ્રયાસો હાથ ધર્યા. આ ઉપરાંત સરકારી યોજનાઓ હેઠળ પીડીતોને વધુ સહાય મળે તે માટે પણ પ્રયત્નો ચાલુ છે. લીમખેડા મામલતદાર કચેરીના આ માનવતાનો સંદેશો પૂરો પાડતાં પ્રયાસ હોય ચીલાકોટાના પીડિત પરિવારોને માત્ર આર્થિક અને ભૌતિક સહાય જ નહીં પરંતુ માનસિક આધાર પણ પૂરો પાડ્યો છે. માટેની તવી અને માટલા જેવી પરંપરાગત અને આવશ્યક વસ્તુઓનું વિતરણ પરિવારોની જિંદગીની જરૂરિયાત પૂરી કરવામાં મદદરૂપ થયું છે. કર્મચારીઓના આ સમર્પણથી સમાજમાં સહાનુભૂતિ અને એકતા નો સંદેશ પ્રસરે છે જે અન્ય માટે પણ પ્રેરણાદાયી બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!