ઝાલોદ બસ સ્ટેશન પર સેવાભાવી વ્યક્તિને બાળક મળી આવતા પોલીસને સોપ્યુ : બાળકના વાલી બાળક તોફાની હોવાથી સાથે રાખવા નથી માંગતા
દાહોદ તા.૧૦
ઝાલોદ બસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 08-05-2025 ના રોજ અંદાજીત સાંજે 4:30 વાગે નગરના સામાજિક કાર્યકર્તા મનીષ પંચાલને એક કોલ આવ્યો હતો કે એક બાળક બસ સ્ટેશન ખાતે ભૂલે પડયું છે ત્યાં પહોંચ્યા બાદ બાળક સાથે વાતચીત કરી હતી. આ બાળક અંદાજીત 13 વર્ષનુ એક અજાણ્યું બાળક મળી આવેલ હતું અને તે બાળક રસ્તો ભૂલે પડી ગયેલ હોય તેવું લાગતા આ બાળકને ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવેલ હતું. ઝાલોદ પોલિસ સ્ટેશનના પી.આઈ એચ.સી.રાઠવા દ્વારા બાળક સાથે વાતચીત કરી તેના વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળક સાથે વાત કરતા તેણે તેનું નામ મીત સુરજ રાઠોડ જણાવેલ હતું. આ બાળક મથુરા થી તેના ભાઈને કહ્યા વિના પોતાના ગામે જવા નીકળેલ હતો અને તે મથુરા થી દાહોદની ટ્રેનમા બેસી દાહોદ થી ઝાલોદ બસ દ્વારા આવેલ હતો.
બાળકને પૂછતાં તે રાજસ્થાના ભાચુંદા ગામ, તાલુકો અને જિલ્લો પાલીનો રહેવાસી હોવાનું માલુમ પડેલ હતું. સદર બાળકના પિતા સુરજ નીમ્બાજી રાઠોડનો સંપર્ક કરતા પહેલા તો ઉડાઉ જવાબ આપ્યો હતો કે બાળક ખૂબ તોફાન કરે છે એટલે એને રાખવા માંગતા નથી તેમજ ત્યાં કોઈ સંસ્થામાં બાળકને મૂકી દો તો ત્યાંનો તમામ ખર્ચો આપવાની વાત કરી હતી અને બાળકને લેવા આવવાની ના પાડી હતી અને કહ્યું કે બાળકને ટ્રેનમા બેસાડી દો તે આવી જશે. ઝાલોદ પોલિસ દ્વારા બાળકને લેવા માટે તેમના વાલીને આવવા કહેતા ચોવીસ કલાક થઈ ગયા હોવા છતાંય લેવા ન આવતા ઝાલોદ નગરના પી.આઈ દ્વારા કાયદાકીય રીતે કામગીરી કરી આ બાળકને હાલ બાળ કલ્યાણ સમિતિ દાહોદ ને મોકલી આપેલ છે. બાળક તોફાની હોવાથી લેવા ન આવતા હોવાનું જાણવા મળતા આવા પિતા પર નગરમાં ચો તરફ ફિટકાર વરસાવી રહેલ છે.