દારૂની હેરાફેરી કરતો શખ્સ તળાવમાં કૂદ્યો, પોલીસે પાણીમાં ઝંપલાવી પકડી લીધો
નરેશ ગનવાણી નડિયાદ

મહુધા તાલુકાના ઉંદરા ગામ નજીક મધરાતે મહુધા-અલીણા રોડ પર દારૂ હેરાફેરી કરતી એક કારને પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી. ટ્રેક્ટરની આડસ કરી પોલીસે કારને રોકી ત્યારે ચાલક સાહિલ સોઢાએ પોલીસથી બચવા તળાવમાં ઝંપલાવ્યું હતું. પરંતુ પોલીસ જવાને પણ તત્કાળ પાણીમાં કૂદી તેની ધરપકડ કરી હતી.
કારની તપાસ દરમ્યાન રૂ. ૨.૨૪ લાખના વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. પૂછપરછમાં ખુલ્યું કે આ દારૂ વિજયસિંહ સોઢા અને નિર્મલ સોઢાએ પૂરું પાડી કઠલાલના મોન્ટુ ચૌહાણ સુધી પહોંચાડવાનો હતો. પોલીસે કાર, દારૂ અને મોબાઈલ સહિત રૂ. ૭.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર માલિક સહિત પાંચ આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તળાવમાં પડવાથી સાહિલને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેને તબીબી સારવાર આપવામાં આવી છે.
