બોમ્બે ની એક મહિલાએ દાહોદની એક મહિલા સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી રૂપિયા 44000 નું ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરી લેતા પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૧૬
દાહોદ શહેરમાં રહેતી એક ૩૯ વર્ષીય વિધવા મહિલા સાથે ઠગાઈ, વિશ્વાસઘાતનો બનાવ બનવા પામ્યો છે જેમાં દાહોદની મહિલાએ બોમ્બે ખાતે એક મહિલા પાસે જમવાનું મંગાવવા માટે પોતોનો એટીએમ કાર્ડ નંબર આપી દેતાં બોમ્બેની મહિલા દ્વારા દાહોદની મહિલાના બેન્ક ખાતામાંથી અલગ અલગ સમયે કુલ રૂા. ૪૪,૬૦૨ નું ટ્રાન્ઝેક્શન કરી લઈ જમવાનું ન મોકલતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
દાહોદ શહેરમાં હરસોલા વાડ વિસ્તારમાં રહેતા ૩૯ વર્ષીય સારીકા કેતનભાઈ ગાંધી બોમ્બેના દાદર વિસ્તારમાં મીસ સુનિતાકુમારી (રહે. કર્ણાટક) નામક મહિલાને મળ્યાં હતાં. આ દરમ્યાન જમવાનું મોકલાવી વાત થઈ હતી અને આ માટે જરૂરી નાણાં પણ આપવાના હતાં જેથી સારીકાબેન દ્વારા સુનિતાબેનને પોતાના એટીએમ કાર્ડ નંબર આપ્યો હતો ત્યારે મીસ સુનિતાકુમારી દ્વારા સારીકાબેનના બેન્ક ખાતામાંથી રૂા. ૧૫૫૦, રૂા. ૧૫,૦૫૦, રૂા. ૧૯,૦૦૧ અને રૂા. ૯,૦૦૧ એમ કુલ મળી રૂા. ૪૪,૬૦૨ ઓનલાઈન ટ્રાન્ફર કરી જમવાનું નહીં મોકલાવી સારીકા સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં આ સંબંધે સારીકા કેતનભાઈ ગાંધી દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.