દાહોદ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના તરૂણોને વેક્સિનેશનનો પૂરજોશ પ્રારંભ, પ્રથમ દિવસે ૯૪૭૨ તરૂણોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
દાહોદમાં તબક્કાવાર શાળા પ્રમાણે ૧૫ થી ૧૮ વર્ષના તરૂણોને વેક્સિન મળે તે માટેનું સુદ્રઢ આયોજન
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ ૧૫ થી ૧૮ વર્ષના તરૂણોને સત્વરે વેક્સિન લઇ લેવા કરી અપીલ
સમગ્ર રાજ્યમાં આજથી ૧૫થી ૧૮ વર્ષના બાળકો માટે કોરોના વેકસિનેશનનો પ્રારંભ કરાયો છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ આ વયજુથના બાળકોને વેક્સિનેશન માટેના મહાઅભિયાનનો પૂરજોશ પ્રારંભ થયો છે. ૧૫ થી ૧૮ વર્ષના વયજુથના બાળકો માટેના આ વેક્સિનેશનના પ્રથમ દિવસે જ જિલ્લામાં ૯૪૭૨ તરૂણોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ ૧૪૩ શાળાઓમાં આ વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ માટે આરબીએસકેની ૫૫ ટીમો તેમજ ૧૪૩ વેક્સિનેટર દ્વારા કામગીરી કરાઇ હતી.
તરૂણો માટેના આ નિ:શુલ્ક રસીકરણ અભિયાનનો પ્રારંભ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ દાહોદની એક કન્યા શાળા ખાતેથી કરાવ્યો હતો અને તેમણે આ વયજુથમાં આવતા તરૂણોને સત્વરે વેક્સિન લઇ લેવા માટે અપીલ કરી હતી. આ વેળા જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા. ૮ જાન્યુઆરી સુધીમાં તબક્કાવાર વિવિધ શાળાઓને આવરી લેવામાં આવશે. જેમાં આજે ૧૪૩ શાળાઓમાં વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો. જયારે આગામી તા. ૪ થી તા. ૮ દરમિયાન અનુક્રમે ૧૦૪, ૩૯, ૬૩, ૩૨, ૧ – શાળાઓને વેક્સિનેશન કાર્યક્રમમાં સામેલ કરાશે.
આજે જિલ્લામાં થયેલા રસીકરણની વિગતો તાલુકા પ્રમાણે જોઇએ તો દાહોદમાં ૧૫૯૭, ગરબાડામાં ૧૧૮૧, ધાનપુરમાં ૧૦૮૫, દેવગઢ બારીયામાં ૧૩૨૪, ફતેપુરામાં ૪૫૫, લીમખેડામાં ૯૬૮, ઝાલોદમાં ૧૮૯૧, સંજેલીમાં ૪૬૩, સીંગવડમાં ૫૦૮ તરૂણોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી.
દાહોદ જિલ્લામાં કોરોનાની વેક્સિન લેવા માટે તરૂણોએ પણ ખાસો ઉત્સાહ દર્શાવ્યો હતો અને વહીવટી તંત્રની ઝુંબેશમાં સહયોગ આપ્યો હતો.
૦૦૦
મહેન્દ્ર પરમાર

