સંજેલીથી પસાર થતાં વાયા ગોધરા રોડ ખાતેનો બનાવ : ટેમ્પાના ચાલકને ડમ્પરે અડફેટમાં લેતાં ટેમ્પાના ચાલકનું મોત નીપજ્યું
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાંથી પસાર થતો ગોધરા તરફ જતા માર્ગ ઉપર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ગતરોજ મોડી રાત્રીના સમયે એક ટેમ્પાના ચાલકનો ટેમ્પો બગડતાં રીપેરીંગ કામ હાથ ધરતાં હતાં તે સમયે એક ઓવરલોડ રેતી ભરે ડમ્પરના ચાલકે ટેમ્પાને અડફેટમાં લેતાં ટેમ્પાના ચાલકનું ઘટના સ્થળ પર કમકમાટી મોત નીપજતાં ચકચાર મચી જવા પામી હતી.
ગતરોજ મોડી રાત્રીના સમયે સંજેલીથી વાયા સુલિયાત થઈ મુખ્ય ગોધરા તરફ જતાં માર્ગ ઉપર એક ટેમ્પો ખરાબ થતાં ટેમ્પાના ચાલકે તે દરમ્યાન ટેમ્પાનું રિપેરીંગ કામ કરતાં હતાં. આ દરમ્યાન એક ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરના ચાલકે પોતાના કબજાનું ડમ્પર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ટેમ્પાને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં ટેમ્પાના ચાલક સિકંદરભાઈ (ઉ.વ. આશરે, ૪૦, રહે. ગોધરા) ને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે મોડી રાત્રીના સમયે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. માર્ગ અકસ્માતને અંજામ આપી ડમ્પરનો ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક ટેમ્પાના ચાલકના મૃતદેહને નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યો હતો. ઘટનાને પગલે મુખ્ય માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી અને થોડા સમય બાદ પુનઃ માર્ગ શરૂં કરી દેવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.