દાહોદ વહીવટી તંત્ર તેમજ દાહોદ નગરપાલિકા અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જઈ સાફ સફાઈ તેમજ ફોગીંગની કામગીરી શરૂ
દાહોદ તા.૧૪
ગતરોજ મુશળધાર વરસાદના પગલે દાહોદ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા જે અનુસંધાને આજરોજ દાહોદ વહીવટી તેમજ દાહોદ નગરપાલિકા અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જઈ સાફ સફાઈ તેમજ ફોગીંગની કામગીરી શરૂ કરી દીધી છે. દાહોદ શહેરના કેટલાક અસગ્રસ્ત વિસ્તારોમાં હાલ પણ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા રહ્યા છે ત્યારે આ બાબતની તંત્ર દ્વારા નોંધ લઈ હાલ જરૂરીયાત મુજબની સુવિધા પણ પુરી પાડી રહી છે.
ગઈકાલે મેઘરાજાના તાંડવ વચ્ચે દાહોદ શહેરમાં પુર જેવી સ્થિતિ રૂપ ધારણ કર્યું હતુ. વિસર્જન બાદ વહેલી સવારે જ મેઘરાજાએ પોતાનુ રૂદ્ર સ્વરૂપ દેખાડતા ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ અને સાંજ પડતાં આઠ કલાકમાં આઠ ઈંચ વરસાદ દાહોદ શહેરમાં ખાબક્યો હતો. મુશળધાર વરસાદના પગલે દાહોદ શહેર વરસાદી પાણીથી છવાઈ ગયુ હતુ. જાહેર રસ્તાઓ, સોસાયટીઓ, નીચાળવાળા વિસ્તારો વિગેરેમાં પાણી ભરાઈ જવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘરોમાં પણ પાણી ભરાય ગયા હતા. ગઈકાલથી જ વહીવટી તંત્ર કામે જોતરાય ગયુ હતુ ત્યારે આજરોજ મેઘરાજાએ વિરામ લેતા વહીવટી તંત્ર તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાં જ્યા જ્યા અસર જોવાતી હતી તેવા વિસ્તારોમાં પહોંચી જઈ સફાઈ અભિયાન હાથ ધર્યુ હતુ અને ત્યાર બાદ રોગચાળો ન ફેલાય તે માટે ફોગીંગ કરવામાં આવ્યું હતુ. દાહોદ શહેરની ફખરી સોસાયટીમાં ઘુંટણ સમા તેમજ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા તે માટે ખાસ આ વિસ્તારોમાં સાફ સફાઈ કરી ફોગીંગ કરવામાં આવ્યુ હતુ.