ગરબાડા પોલીસ સ્ટેશનની સામોસામ કતલખાનુ ધમધમી રહ્યું : ગરબાડા નગરમાંથી પોલીસે ૧૨૦ કિલો માસ ઝડપી પાડ્યું : આરોપી ફરાર
દાહોદ તા.31
દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં પોલીસ ચોકીની સામે કતલખાનું ચલાવતાં એક રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતો છાપો મારતાં ૧૨૦ કિલો જેટલું માસ ઝડપી પાડવામાં આવ્યું છે. આ માસ ગૌમાંસ છે કે નહીં? તે માટેની તપાસ માટે માસના સેમ્પલને એફએસએલ માટે મોકલી આપ્યાંનું જાણવા મળે છે.
આજરોજ ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે પોતાના પોલીસ સ્ટેશનની સામેસામ કતલખાનુ ચલાવતાં ફકીર મહોમ્મદ સબુરભાઈ શેખ (રહે. ગરબાડા, ઘાંચીવાડા, તા.ગરબાડા, દાહોદ) ના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારતાં પોલીસને જાેઈ ફકીર નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના રહેણાંક મકાનમાંથી ૧૨૦ કિલો ગ્રામ કિંમત રૂા. ૧૨,૦૦૦નું માસ ઝડપી પાડ્યું છે. આ માસ ગૌમાંસ છે કે નહીં? તેની તપાસ માટે માંસને એફએસએલ માટે મોકલી આપવામાં આવ્યું છે. આ માસ જે સ્થળે વેચાતું હતું તે સ્થળની બાજુમાં સરકારી શાળા પણ આવેલ છે. પોલીસ ચોકીની સામેસામ ચાલતું આ કતલખાનું કેટલાંય સમયથી ધમધમતું હતું પરંતુ જાણે પોલીસને આજે જાણ થઈ હોય તેમ પ્રતિત થતાં છાપો મારતાં લોકોમાં અનેક સવાલો પણ ઉઠવા પામ્યાં છે. સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં છે.