દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હર ઘર ત્રિરંગા પ્રતિયોગીતા : જિલ્લામાં હર ઘર ત્રિરંગા પ્રતિયોગીતા અંતર્ગત પોસ્ટર મેકિંગ, સ્લોગન અને રંગોલી સ્પર્ધા યોજાશે
દાહોદ તા. ૨૭
દેશભરમાં આગામી તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર ત્રિરંગા કાર્યક્રમ યોજાશે. ત્યારે દાહોદ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા દરેક નાગરિક આ કાર્યક્રમમાં સહભાગી બને અને પોતાના ઘરે ત્રિરંગો લહેરાવે એ માટે લોકોને પ્રોત્સાહિત કરાઇ રહ્યાં છે. આ સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા હર ઘર ત્રિરંગા ૨૦૨૨ પ્રતિયોગિતાનું આયોજન કરાયું છે.
હર ઘર ત્રિરંગા પ્રતિયોગીતા તા. ૨૭ જુલાઇ થી ૧૧ ઓગસ્ટ દરમિયાન યોજાશે. જેમાં પોસ્ટર મેકિંગ, સ્લોગન સ્પર્ધા તેમજ રંગોલી સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં ભાગ લેનાર દરેકે પોતાની એન્ટ્રી harghartirangadda@gmail.com ઇ મેઇલ એડ્રેસ પર મોકલવાની રહેશે. એન્ટ્રી ઓનલાઇન જેપીજી, પીડીએફ ફોર્મેટમાં રહેશે.
સ્પર્ધાની થીમ આ મુજબ રહેશે. જેમાં સ્લોગન : હર ઘર ત્રિરંગા, રંગોલી માટે દેશ કે નામ એક રંગોલી તેમજ પોસ્ટર માટે આઝાદી કા અમૃત મહોત્સવ ની થીમ રહેશે. પોસ્ટરની સાઇઝ એ-ર રહેશે. એન્ટ્રી મોકલનારે વિષયમાં સ્પર્ધાનું નામ અને ઇ મેઇલ, પોતાનું નામ અને મોબાઇલ નંબર લખીને મોકલવાનો રહેશે. વિજેતાઓને મોબાઇલ અને ઇમેઇલ એડ્રેસ ઉપર ૧૨ ઓગસ્ટે જાણ કરવામાં આવશે.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા અપીલ કરી છે. તેમજ આગામી તા. ૧૩ થી તા. ૧૫ ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રધ્વજ અવશ્ય પોતાના ઘરે લહેરાવા જણાવ્યું છે. જેથી સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રપ્રેમની ઉચ્ચ ભાવના વિકસે.