વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત યુવાનો પોતાના ધંધાને આપી શકે છે નવી પાંખો : વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ૮ લાખ સુધીની લોન મળી શકે છે
દાહોદ તા. ૨૭
ગુજરાત સરકાર કુટિર અને ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવા માટે વાજપાઇ બેકેંબલ યોજના અંતર્ગત નાણાકીય લોન તેમજ સબસીડી આપવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીયકૃત બેન્કો, સહકારી બેન્કો, પબ્લીક સેક્ટર બેન્કો, ખાનગી બેન્કો મારફતે લોન અપાઇ છે. જેનો મુખ્ય ઉદ્દેશ કુટિર ઉદ્યોગને પ્રોત્સાહન આપી ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન, યુવતીઓ, દિવ્યાંગોને સ્વરોજગારી પુરી પાડવાનો છે.
આ યોજનાનો લાભ ૧૮ થી ૬૫ વર્ષનો કોઇ પણ વ્યક્તિ લઇ શકે છે. લાભ લેનાર વ્યક્તિ ઓછામાં ઓછું ધોરણ ૪ પાસ અથવા કોઇ પણ તાલીમનો એક વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઇએ. આ યોજના અંતર્ગત કારીગરો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરી આત્મનિર્ભર બની શકે છે.
અરજદારો નવા એકમ તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે જે તે બેન્કના નિયત કરેલા વ્યાજદરે રૂ. ૮ લાખ સુધીની લોન મેળવી શકાય છે. જેના ઉપર ૨૦ થી ૪૦ ટકા નિયમ મુજબ મહત્તમ રૂ. ૧.૨૫ લાખ સુધીની સબસીડી મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે પાસ પોર્ટ ફોટો, આધારકાર્ડ, સ્કુલ સર્ટીફિકેટ, જન્મનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, અનુભવનો દાખલો, કોટેશન, ધંધાના સ્થળનો આધાર, લાઇટબીલ, વેરા પહોંચ જેવા ડોક્યુમેન્ટ સાથે blp.gujarat.gov.in પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ખરોડ, દાહોદ ખાતે સંપર્ક કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, દાહોદનાં જનરલ મેનેજરએ એક યાદીમાં જણાવ્યું છે.