ઝાલોદ નગરમાં ભીલ રાજા ઝાલા વસૈયા ચોક ખાતે રાજ્ય કક્ષાના મંત્રી નિમિષા સુથાર કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાનું પુતળા દહન કરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૭
આદિવાસી સમાજ દ્વારા રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી નિમિષા સુથાર, રાજ્ય મંત્રી નરેશ પટેલ, તેમજ કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ભીલ રાજા ઝાલા વસૈયા ચોક ખાતે તેમજ ફતેપુરા તાલુકા મેઈન બજાર ચોકડી ખાતે આદિવાસી સમાજ દ્વારા મોરવા હડફના ધારાસભ્ય, રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથાર ના પૂતળાંનું દહન કરવામાં આવ્યું સાથે સાથે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને રાજ્યના મંત્રી નરેશ પટેલ ના પૂતળાં નું દહન પણ કરવામાં આવ્યું હતું. આ બાબતે આદિવાસી અગ્રણી શિરીષભાઈ બામણીયા દ્વારા જણાવવામાં આવ્યું કે, બોગસ આદિજાતિ પ્રમાણપત્રોનો મુદ્દો ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વણઉકલ્યો રાખવામાં આવી રહ્યો છે. ૨૦૧૮ નો કાયદો અને ૨૦૨૦ ના નિયમો ના પાલન કરાવવાની જગ્યાએ રાજ્ય સરકાર, ગેર બંધારણીય પરિપત્રો કરીને બોગસ પ્રમાણપત્રો ધરાવતા લોકોને છાવરી રહી છે. બોગસ આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથારના લીધે નવા નવા પરિપત્રો ફતવા બનાવી આદિવાસી સમાજને અન્યાય થઈ રહ્યો છે. રાજ્યની ભાજપ સરકાર દ્વારા બોગસ આદિજાતિ મંત્રી બનાવવાનું કારસ્તાન થયેલું છે તેમજ હાલ થોડા સમય પહેલા છોટાઉદેપુર ની એક જાહેર સભામાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જાહેર સભામાં કીધું હતું કે આદિવાસીઓને દારૂ ની પોટલી વગર સાંજ પડતી નથી તેમના આ નિવેદન સામે આદિવાસી સમાજ એ રોષ ઠાલવ્યો હતો અને ગુજરાત સરકારના આદિવાસીઓ પ્રત્યે આવા વલણોના કારણે ખૂબ જ દુઃખ વ્યક્ત કરી આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથાર, નરેશ પટેલ, તેમજ કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરૂષોત્તમ રૂપાલા ના પૂતળાંઓ સળગાવી સરકાર ને વિરોધ વ્યક્ત કર્યો હતો.

