દાહોદ જિલ્લામાં એક જ દિવસમાં ૮૯૯ દસ્તાવેજોના ઇ-સ્ટેમ્પિંગ થયા
દાહોદ તા.૧૭
રાજ્ય સરકાર દ્વારા દસ્તાવેજોની નોંધણી માટે શરૂ કરવામાં આવેલી નૂતન પ્રણાલી ઇ-સ્ટેમ્પિંગને દાહોદ જિલ્લામાંથી સારો પ્રતિસાદ મળ્યો છે. દાહોદ જિલ્લામાં ગત્ત તા. ૧૬ના રોજ એક દિવસમાં ૮૯૯ દસ્તાવેજોનું ઇ-સ્ટેમ્પિંગ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વધુ ૯ જેટલા સ્પેમ્પ વિક્રેતાઓને માન્યતા આપવાની સાથે જિલ્લામાં ઇ-સ્ટેમ્પ વેન્ડરોની સંખ્યા ૨૬ પહોંચી છે.
દાહોદ જિલ્લામાં તાલુકા પ્રમાણે એક દિવસમાં નોંધાયેલા દસ્તાવેજોની સંખ્યા જોઇએ તો દાહોદ નગરમાં ૩૩૨, ગરબાડામાં ૬૩, ધાનપુરમાં ૬, દેવગઢ બારિયામાં ૧૦૮, લીમખેડામાં ૧૨૯, ફતેપુરમાં ૫૭, સંજેલીમાં ૪૨ અને ઝાલોદમાં ૧૪૯ દસ્તાવેજોનું ઇ-સ્ટેમ્પિંગ થયું છે.
રાજ્ય સરકાર દ્વારા દસ્તાવેજોની નોંધણીની વધુ પારદર્શક અને સરળ બનાવવામાં આવી છે. એટલે કે, ઇ-સ્ટેમ્પિંગની સુવિધા અમલમાં મૂકવામાં આવી છે. જૂના દસ્તાવેજોનો ઉપયોગ કરી મિલ્કતોમાં નોંધણીમાં થતી ગેરરીતિ, બોગસ દસ્તાવેજોના ઉપયોગની શક્યતાઓ નિવારવા ઇ-સ્ટેમ્પિંગની સુવિધા અસરકાર બનવાની છે. ત્યારે, દાહોદ જિલ્લામાં તેને બહોળો પ્રતિસાદ મળ્યો છે.
ઇ-સ્ટેમ્પિંગની નોંધણીની પ્રક્રિયા એકદમ સરળ છે. ધારો કે કોઇ અરજદારને કોઇ સોગંધનામુ કરાવવું હોય તો તેમણે કેન્દ્ર ઉપર જઇ ઇ-સ્ટેમ્પ વેન્ડર પાસે જઇ એક સાદુ ફોર્મ ફરી નોંધણી કરાવવાની રહે છે. વેન્ડર તેના આધારે તેની પ્રક્રીયા કરે છે.
નોંધણી થયા બાદ ઇ-સ્ટેમ્પનું પ્રમાણપત્ર નીકળે છે. જેને નોંધવવાના થતાં દસ્તાવેજો અથવા તો સોગંધનામા સાથે જોડવાના રહે છે. સ્ટેમ્પ માટે વિક્રેતાઓને માટે મોબાઇલ રિચાર્જ જેવી જ પદ્ધતિ છે. એટલે કે, વિક્રેતા પાસે તેના ખાતામાં રહેલી રકમ જેટલું મહત્તમ ઇ-સ્ટેમ્પિંગ કરી શકે છે.
દાહોદ જિલ્લામાં ઇ-સ્ટેમ્પિંગ પ્રણાલીનો કોઇ વ્યાવિધાન વીના અમલ શરૂ થઇ ગયો છે. જેમાં તા. ૧૬ના રોજ ૮૯૯ ઇ-સ્ટેમ્પિંગ થયા તૈ પૈકી મામલતદાર કચેરી ખાતે સૌથી વધુ ૧૯૪ ઇ-સ્ટેમ્પિંગ થયા છે.

