ઓબ્ઝવર્સશ્રીઓએ મતગણતરી કેન્દ્ર તેમજ જિલ્લા સેવા સદન દાહોદ ખાતેના કંમ્પલેન રીડ્રેસલ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી
રિપોટર – નીલ ડોડીયાર
દાહોદ, તા. ૧૯ : દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીઓ માટે નિયુક્ત કરવામાં આવેલા ઓબ્ઝવર્સશ્રીઓએ આજે એન્જિનિયરીંગ કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્ર, જિલ્લા સેવા સદનની સ્માર્ટ સીટીની ગ્રીન બિલ્ડીંગ ખાતે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહેલા કંમ્પલેન રીડ્રેસલ કંટ્રોલ રૂમ અને એક્સપેન્ડિચર મોનિટરીંગ સેલની મુલાકાત લીધી હતી અને અહીંની કામગીરી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને સંબધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
એન્જિનિયરીંગ કોલેજ ખાતે ઉભા કરાયેલા મતગણતરી કેન્દ્રની જનરલ ઓબ્ઝવર્સ શ્રી રીષિરેન્દ્ર કુમાર, શ્રી સચીન્દ્ર પ્રતાપસિંહ, શ્રી સુનીલ શર્મા તેમજ એક્સપેન્ડીચર ઓબ્ઝવર્સ શ્રી મૃત્યુજંય સૈની, શ્રી લવીશ શૈલી અને પોલીસ ઓબ્ઝવર્સ શ્રી સતીષ કુમારે મુલાકાત લીધી હતી. અહીં કરવામાં આવેલી વ્યવસ્થાઓ વિશે જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીએ માહિતી આપી હતી. તેમજ પોલીસ બંદોબસ્ત સહિત સુરક્ષા વ્યવસ્થા વિશે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ માહિતી આપી હતી.
ઓબ્જવર્સશ્રીઓએ ગ્રીન બિલ્ડીંગના ત્રીજા માળે કાર્યરત કંમ્પલેન રીડ્રેસલ કંટ્રોલ રૂમ અને એક્સપેન્ડિચર મોનિટરીંગ સેલની પણ મુલાકાત લીધી હતી. ઓબ્જવર્સશ્રીએ સીવીજીલ એપ ઉપર કરવામાં આવતી ફરિયાદોના નિવારણની પ્રક્રિયા વિશે પૃચ્છા કરી હતી. એક્સપેન્ડિચર મોનિટરીંગ નોડલ ઓફિસર સુશ્રી નેહા કુમારીએ ટોલ ફ્રી નંબર ઉપર નોંધવામાં આવતી કંમ્પલેન તેમજ સીવીજીલ એપ ઉપર કરાયેલી કંમ્પલેન તેમજ ચૂંટણી ખર્ચ મોનિટરીંગ માટેની વિવિધ ટીમોનું પણ અહીંથી થતા મોનિટરીંગ વિશે વિગતે જણાવ્યું હતું. ઓબ્જવર્સશ્રીઓએ ગ્રીન બિલ્ડીંગ ખાતેના સ્માર્ટ સીટીના કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી અને નગરની સીસીટીવી સહિતની સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતગાર થયા હતા.
આ વેળાએ એઅસપી શ્રી જગદીશ બાંગરવા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વી.આઇ. પ્રજાપતિ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.