દાહોદની સરકારી કચેરીઓમાં દિવાળીની સફાઇ, કર્મચારીઓ દ્વારા શ્રમદાન કરાયું

દી’વાળે એ દિવાળી, અર્થાત દીપાવલી પર્વના સપરમા દિવસોમાં નૂતન વર્ષના વધામણા માટે સફાઇ કામગીરીનું પણ એટલું જ મહત્વ છે. એટલે જ દિવાળીના પર્વનો પ્રારંભ જે દિવસથી થાય છે, એ રમા પાંચમના દિવસે દાહોદ કલેક્ટર શ્રી વિજય ખરાડીની આગેવાનીમાં આજે વ્યાપક સફાઇ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. છાપરી સ્થિત જિલ્લા સેવા સદન અને જિલ્લા પંચાયત કચેરીના પ્રાંગણમાં રાજ્ય સરકારના કર્મયોગીઓએ શ્રમદાન કરી સફાઇ કામગીરી કરી હતી.
કલેક્ટર શ્રી ખરાડી તથા કર્મયોગીઓ જિલ્લા સેવા સદનના પ્રાંગણમાં સફાઇ કામગીરી કરવા માટે પરોઢમાં પહોંચી ગયા હતા. જિલ્લા સેવા સદનના આગળ, પાછળ ઉપરાંત બન્ને બાજુ વાળીચોળી ચોખ્ખી ચળાક કરી દેવામાં આવી હતી. કર્મયોગીઓએ ઉત્સાહભેર શ્રમદાન કર્યું હતું.
તદ્દઉપરાંત, જિલ્લા પંચાયત કચેરીના પ્રાંગણની સફાઇ કામગીરી કરવા માટે પણ વિવિધ શાખાના અધિકારીઓ તથા કર્મયોગીઓ જોડાયા હતા. પ્રાંગણમાં સફાઇ કરી એકત્ર થયેલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
જ્યારે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી ખાતે નિયામકશ્રી બલાતના નેતૃત્વમાં ત્યાંના વિવિધ શાખાધિકારીઓ તથા કર્મયોગીઓ દ્વારા શ્રમદાન કરી સફાઇ કામગીરી કરવામાં આવી હતી.
એ જ પ્રકારે, દાહોદ પ્રાંત કચેરીમાં તા.૨૫ના રોજ સવારે પ્રાંત અધિકારી શ્રી તેજસ પરમાર અને કર્મચારીગણ દ્વારા કચેરી, પ્રાંગણ સફાઇ કામગીરી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: