અયોધ્યા કેસના ચૂકાદા મામલે કોમી સંવાદિત જાળવવા દાહોદ જિલ્લા વહીવટી / પોલીસ તંત્રની અપીલ

દાહોદ તા.૦૯
અયોધ્યા કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ દાહોદ નગર અને જિલ્લામાં કોમી એખલાસ ભર્યો માહોલ જળવાઇ રહે અને કોઇ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા ચારચૌબંધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને કોમી સદ્દભાવ-એકતા જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે.
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા એક યાદીમાં નાગરિકોને કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું અનુપાલન કરવા જણાવાયું છે. જેમાં કોઈ પણ પ્રકારની અફવાનો ફેલાવો કરશો નહીં અને અફવાની પ્રાપ્તિ પર, માહિતીની ચકાસણી કરી અને તાત્કાલીક સંબંધીત પોલીસ અને વહીવટી અધિકારીઓને વસ્તુઓની ચોક્કસ પરિસ્થિતિ વિશે માહિતી આપશો. તમારા પડોશી અને આજુબાજુના વિસ્તારમાં ભાઈચારો અને સુમેળનું વાતાવરણ જાળવી રાખશો. મોબાઇલ અથવા સોશિયલ મીડિયા પર ફેલાતી કોઈપણ માહિતી અથવા કે જેનાથી કોઇ પક્ષની ભાવના અથવા લાગણીને ઠેંસ અથવા નુકસાન થાય તેનુ તત્કાલ ખંડન કરવુ અને આ બાબતે પોલીસ અને વહીવટી અધિકારીઓને તથ્યોથી માહિતગાર કરવા.
પરસ્પર સંવાદિતાને અને સૌહાર્દપુર્ણ વાતાવરણને નુકસાન થાય અથવા કોઇ અવળી અસર કરે તેવા સંદેશને ક્યારેય ન મોકલો અથવા ફોરવર્ડ ન કરો, તેમજ આ નિર્ણય અંગે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, મેસેંજર પર કોઇપણ જાતની ટિપ્પણી નહી કરવી.
અપમાનજનક, વાંધાજનક, ઉશ્કેરણીજનક, કોઇની ધાર્મિક લાગણી દૂભાઇ તેવા ફોટો, મિમ, વિડીઓ ક્લિપ, સંદેશોઓ વાયરલ કરવા નહીં. જે બાબતની સત્યતાની તમને ખબર ના હોય તેવા સંદેશાઓ કોઇ પણ પ્રાંત કે પ્રદેશના હોય તો તેને ખરા માનવા નહીં. આ બાબતે સમયાંતરે બહાર પડતી અધિકૃત માહિતી કે સૂચનાનું પાલન કરવું.
રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને પરસ્પર સંવાદિતાને અસર કરતી સોશિયલ મીડિયા પર સંદેશાઓ અથવા સામગ્રીનો ફેલાવો, ભારતીય દંડ સંહિતાની કલમ ૧૫૩ એ / ૧૫૩ બી અને સુચના અને પ્રૌધોગીકી અધિનિયમ કલમ ૬૬ ડી (એ) હેઠળ શિક્ષાત્મક ગુનો છે અને તાત્કાલિક ધરપકડ કરવાની જોગવાઈ છે, તેથી તેને ટાળો.
કોઇ પણ પ્રકારની આપત્તિમાં કે વાંધાજનક લાગતી બાબતમાં દાહોદ જિલ્લા પોલીસ તંત્રનો તેમના કન્ટ્રોલ રૂમ નંબર ૧૦૦ ઉપરાંત એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ. પી. કરેણ મો. ૯૯૭૯૦૦૪૩૨૫ તથા જિલ્લા પોલીસ વડાનો ફોન નં. ૦૨૬૭૩ ૨૨૨૩૦૦ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!