દાહોદ ખાતે જિલ્લા પત્રકાર સંઘની સામાન્ય સભા યોજાઇ
દાહોદ,
દાહોદ જીલ્લા પત્રકાર સંઘ દાહોદના સાંઈ પેટ્રોલીયમ નજીક ફાર્મમાં સામાન્યસભા યોજાઈ હતી. આ સંઘના પ્રમુખ વિનોદભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયલ સામાન્ય સભામાં પત્રકારોને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ તાલુકા અને ગ્રામ્યકક્ષાના પત્રકારોને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાબતે ભાર મુકવામાં આવ્યો હતો.સામાન્યસભામાં જીલ્લાભરમાંથી મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ જિલ્લામા છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી ચાલતું ટ્રેડ યુનિયન (સંઘ) દાહોદ જિલ્લા પત્રકાર સંઘની મંગળવારના રોજ દાહોદના છાપરી ખાતે આવેલા સાંઈ પેટ્રોલ પંપ નજીક ફાર્મમાં સામાન્ય સભા સંઘના પ્રમુખ વિનોદ પટેલના અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. આ સભામાં પ્રિતેશ પંચાલ,મહેશ ડામોર, સરફરાઝ ગુડાલા, રાજેશ નાગર, શાબીર શેખ, દીનેશ પરમાર રાજેશ વસાવેએ પ્રાંસગોચિત ઉદભોધન કર્યુ હતું. આ સામાન્ય સભામા 14 જેટલા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરાઇ હતી. જેમાં ખાસ પત્રકારોના હિત માટે INDIAN JOURNALISTS’S UNION ( ભારતીય પત્રકાર સંઘ) દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ પીઆઈએલ બાબતે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. દાહોદ જિલ્લા પત્રકાર સંઘના પત્રકારોને પિપલોદ અને ઝાલોદ વરોડના ટોલટેક્સમાંથી મુક્તિ આપવા પર ભાર મૂકવામા આવ્યો હતો. જિલ્લા પત્રકાર સંઘની નવિન ડાયરી અને વેબ સાઇટ બનાવવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને સામાન્ય સભામાં નવા હોદ્દેદારોને નિમવાને લઈને સંઘના તમામ પત્રકારોના સૂચનો લેવામાં આવ્યા હતા. જેમાં દરેક તાલુકામાંથી જિલ્લા કારોબારી સભ્યની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં દાહોદ જિલ્લા પત્રકાર સંઘના હોદ્દેદારો જાહેર કરવામાં આવશે. સામાન્યસભાનું સફળ સંચાલન તેમજ આભાર વિધી સરફરાજ ગુડાલાએ કરી હતી.