આયુષ્યમાન કાર્ડ થકી હ્રદયરોગને શિકસ્ત આપી નવજીવન મેળવતા ચકુડીબેન વસૈયા
દાહોદ
તા.૩૦‘સરકારે અમને સહાય કરી ન હોત તો આજ મારી ધર્મપત્ની હયાત ન હોત’ આ લાગણીભીના શબ્દો છે ઝાલોદના વેલપુરા ગામના દૂધાભાઇ વસૈયાના. દૂધાભાઇ પોતે ખેડૂત. ખેતીકામ કરીને સંયુક્ત પરીવારનું ગુજરાન ચલાવે. તેમના પત્ની ચકુડીબેનને ૧૫ દિવસથી છાતીમાં દુખાવો રહેતો હતો. એક દિવસ દુખાવો ખૂબ વધી ગયો. દૂધાભાઇએ તેમને દાહોદ નગરના રીધમ હોસ્પીટલમાં દાખલ કર્યા. ચકુડીબેનને હ્રદય રોગનો હુમલો હોય, હોસ્પીટલમાંથી સારવાર માટે બે લાખનો ખર્ચ જમા કરાવવા કહ્યું. ડોકટરે તેમની આર્થિક સ્થિતિ જોતા તેમની પાસે આયુષ્યમાન યોજનાનું કાર્ડ છે કે નહિ તે પૂછયું. દૂધાભાઇએ આયુષ્યમાન ભારત કાર્ડ બતાવતા ડોકટરે જણાવ્યું કે હવે તમારે ૧ રૂ.નો પણ ખર્ચ કરવાની જરૂર નથી. ત્યાર બાદ ચકુડીબેનને એન્જીયોપ્લાસ્ટી કરી બે સ્ટેન્ડ નાખવામાં આવ્યા. ચકુડીબેનની તમામ સારવાર,દવા, રીપોર્ટ થી લઇને જમવા સુધીની તમામ સુવિધા આયુષ્યમાન ભારત યોજના હેઠળ નિ:શુલ્ક આપવામાં આવી. તેમને આ યોજના હેઠળ ૧૫ દિવસ સુધીની દવા અને ૩૦૦ રૂ. ભાડા સાથે રજા આપવામાં આવી. ચકુડીબેન હજુ પાંચ વખત સુધી ડોકટરને નિ:શુલ્ક બતાવી શકશે અને તમામ દવા નિ:શુલ્ક મેળવશે.
દૂધાભાઇ વસૈયા ખેડૂત હોય આવી આકસ્મિક સારવાર માટે કોઇ બચત તેમની પાસે નહોતી. એમાં પણ ૨ લાખ જેટલી રકમ તાત્કાલીક જમા કરાવવી એ તો તદ્દન અશકય હતું પરંતુ આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ તેમની પાસે હોય તેઓ સારી હોસ્પીટલમાં નિ:શુલ્ક સારવાર કરાવી શકયા.
દૂધાભાઇ જેવા લાખો લોકો આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મેળવી રહ્યાં છે જેમની પાસે આવા આકસ્મિક ખર્ચ માટે કોઇ બચત હોતી નથી. એક સમય હતો જયારે માંદગીની સારવાર માટે ગરીબ માણસોએ દેવા કરવા પડતા અને આ દેવું પૂરૂ કરવામાં જ તેઓ કદી આર્થિક રીતે સમૃદ્ધ થઇ શકતા નહતા. ગરીબીના આ વિષચક્રને આયુષ્યમાન ભારત યોજના તોડી રહ્યું છે. ‘ગરીબી’ નામના રોગનો ખરા અર્થમાં રામબાણ ઇલાજ બની રહી છે આયુષ્યમાન ભારત યોજના.