જિલ્લામાં આગામી સમયમાં ધોરણ ૧૦-૧૨ ની બોર્ડની પરીક્ષાઓ સહિતની બાબતોને કારણે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
નીલ ડોડીયાર
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લામાં ડીજે સિસ્ટમ, માઇક, લાઉડ સ્પીકર સહિતની બાબતો ઉપર પ્રતિબંધો મુક્યા
જિલ્લામાં આગામી સમયમાં ધોરણ ૧૦-૧૨ ની બોર્ડની પરીક્ષાઓ સહિતની બાબતોને કારણે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
દાહોદ જિલ્લામાં આગામી સમયમાં ધોરણ ૧૦-૧૨ ની બોર્ડની પરીક્ષાઓ યોજાનારી છે. તેમજ આગામી તહેવારો અને સામાજિક ધાર્મિક પ્રસંગોમાં ઝઘડા-તકરાર ન થાય, નાહકનો ઘોંઘાટ ના થાય એ માટે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લામાં ડીજે સિસ્ટમ, માઇક, લાઉડ સ્પીકર સહિતની બાબતો ઉપર આ મુજબના પ્રતિબંધો મુક્યા છે.તદ્દનુસાર, સરકારી કચેરીઓ, હોસ્પીટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવાના વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે. જેથી શાંત વિસ્તારની આજુ બાજુમાં માઇક, લાઉડ સ્પીકર તથા ડીજે સીસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહીં. એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમી લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો, ગાયનોનો માઇક, લાઉડસ્પીકર તથા ડીજે સિસ્ટમમાં ઉપયોગ કરી શકાશે નહી. રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફિકને અડચણ ન થાય તથા ટ્રાફિકના તમામ નિયમો, કાયદાઓનો અમલ કરવા તેમજ નાચગાન ગરબા જાહેરમાર્ગમાં રોકાઇને કરી શકાશે નહી.ડીજે સીસ્ટમ અંગે સુપ્રીમ કોર્ટના વખતો વખતના ચુકાદા, તેમજ આ અંગેના કાયદાઓનું પાલન કરવાનું રહેશે. તેમજ અગાઉથી અધિકૃત પરવાનગીના આધારે ફક્ત માઇક સીસ્ટમને શરતોને આધીન પ્રતિબંધમાં છૂટછાટ મળશે.રાત્રીના ૧૦ વાગ્યા થી સવારના ૬ વાગ્યા સુધીના સમય દરમ્યાન વગાડી શકાશે નહીં.
ડીજે સિસ્ટમના માલીક કે જે આ સિસ્ટમ ભાડે આપે છે તેઓએ પણ પોલીસ સ્ટેશનમાં નોંધણી કરવાની રહેશે. તેમજ માઇક સીસ્ટમ, ડીજે સિસ્ટમ વેગરે વગાડવા માટે જે તે વિસ્તારના મામલતદાર, એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીની કચેરીએ કરી, ૭ દિવસ પહેલા મંજૂરી મેળવવાની રહેશે અને શરતોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.વરઘોડો, રેલી કે ધાર્મિક-સામાજિક-રાજકીય શોભાયાત્રામાં કોઇ શરતોનો ભંગ થાય કે અઇચ્છનિય ઘટના બને તો સંપૂર્ણ જવાબદારી પરવાનગી લેનારની રહેશે. ધાર્મિક સ્થળોએ માઇક સિસ્ટમ, વાંજિંત્રનો ઉપયોગ સંકુલની હદ બહાર ન જાય એ રીતે મર્યાદિત હોવો જોઇએ.ઉક્ત જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. આ જાહેરનામું આગામી તા. ૩૧ માર્ચ સુધી અમલમાં રહેશે.

