ઝાલોદ તાલુકાના પીપલીયા ગામે કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઇ

દાહોદ તા. ૧
ઝાલોદ તાલુકાના પીપલીયા ગામે કલેક્ટર શ્રી વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઇ હતી. રાત્રીસભામાં ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને વિધવા સહાય યોજનાના મંજુરી પત્રકો પણ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરંભવામાં આવેલી જનજાગૃતિ ઝૂંબેશ અંતર્ગત પણ લોકોને મહાત્વાકાંક્ષી જિલ્લા તરીકેની પ્રાથમિકતાઓને રંગલા રંગલીના માધ્યમથી સમજાવવામાં આવી હતી.

કલેક્ટર શ્રી વિજય ખરાડીએ રાત્રી સભામાં જણાવ્યું હતું કે, મહાત્વાંકાક્ષી જિલ્લા તરીકેના મહત્વના સૂચકાંકો જેવા કે આરોગ્ય, પોષણ, કૃષિ, શિક્ષણ વગેરે બાબતે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે. રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પોષણ અભિયાનનો દાહોદ જિલ્લાથી આરંભ કરાવ્યો છે ત્યારે પોષણ બાબતે પણ આપણે ખાસ તકેદારી રાખવાની જરૂર છે. આ માટે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે જેવી કે સગર્ભા મહીલાની આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધણી, આંગણવાડીમાં બાળકો નિયમિત આવે, સ્વચ્છતા જાળવવી વગેરે જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ખૂબ સરસ પરીણામ મળી શકે છે.

કલેક્ટર શ્રી ખરાડીએ ઉપસ્થિત ગ્રામજનોને કૃષિ બાબતે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત શિક્ષણ, સિંચાઇ, પશુપાલન જેવી જિલ્લાની પ્રાથમિકતાઓ વિશે નાગરિકોની સભાનતા બાબતે ભાર મૂકયો હતો અને આ બાબતે લોકજાગૃતિ અતિઆવશ્યક હોવાનું જણાવ્યું હતું.

રાત્રીસભામાં નવા રસ્તા બનાવવા, વિજળીના જોડાણ માટે, મુખ્ય પ્રાથમિક શાળાના નવા ગેટ માટે નાગરિકો દ્વારા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેનો કલેક્ટરશ્રીએ સંબધિત અધિકારીને ત્વરિત ઉકેલ લાવવા જણાવ્યું હતું.

રાત્રીસભામાં જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ, ગામના અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!