“ડાકોર ફાગણોત્સવ – ૨૦૨૩” વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ રણછોડરાયજી મંદિર ખાતે ફાગણી પુનમ હોળી નિમિત્તે દર વર્ષે પદયાત્રીઓ-ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. આ સમય દરમ્યાન તેઓના રાત્રિ રોકાણ સમયના મનોરંજન માટે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિની કચેરીના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, ખેડા નડિયાદ અને જિલ્લા વહીવટી તંત્ર – ખેડા દ્વારા ડાકોર મેળા દરમ્યાન “ડાકોર ફાગણોત્સવ – ૨૦૨૩” વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તા. ૫ અને ૬ માર્ચ ૨૦૨૩ દરમિયાન કરવામાં આવશે. ડાકોર ફાગણોત્સવ – ૨૦૨૩”માં બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી ખ્યાતનામ કલાકારો અને કલાવૃંદો આવી રહ્યા છે અને તેમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે. કાર્યક્રમની ખાસ ઉપસ્થિતિ રૂપે ગુજરાતનાં ખ્યાતનામ કલાકાર જેઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીની ઉપાધિથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે તેવા હેમંતભાઈ ચૌહાણ અને સાથે ખ્યાતનામ કલાકાર પ્રીત ગોસ્વામી પણ પ્રસ્તુતિ રજૂ કરવાના છે.કાર્યક્રમના પ્રથમ દિવસ તા.૦૫ માર્ચ રવિવાર સાંજે ૭ થી ૧૦ કલાકે વિવિધ કૃતિઓ ભજવવામાં આવશે. જેમાં સ્વાગત કાર્યક્રમ, તપસા ડાન્સ એકેડમી, નડિયાદ દ્વારા ગણેશ વંદના; કલ્પના નૃત્ય વૃંદ, નડિયાદ દ્વારા હુડો નૃત્ય; શૌર્ય કલ્ચરલ ગૃપ, ગાંધીનગર, પ્રકાશ પરમાર દ્વારા મિશ્ર રાસ પ્રસ્તુત કરવામાં આવશે. લાવણી નૃત્યની ભજવણી કલા સંપુટ સંસ્થા, નડિયાદ દ્વારા અને લોક નૃત્યની પ્રસ્તુતિ કલા સંવર્ધન સંસ્થા, નવસારી દ્વારા રજુ કરવામા આવશે. ઉપરાંત, ઇમરાન સીદ્દી, ભરુચ દ્વારા સીદ્દી ધમાલ તેમજ પદ્મશ્રી હેમંત ચૌહાણ અને પ્રીત ગોસ્વામી રાજકોટ, કુ.તન્વી ગઢવી, નડિયાદ દ્વારા લોક ડાયરો ભજવવામાં આવશે. કાર્યક્રમના બે દિવસ સોમવાર, સાંજે ૭ થી ૧૦ કલાકે ભજવવામાં આવતી કૃતિમાં સ્વાગત કાર્યક્રમ, ત્યારબાદ તપસા ડાન્સ એકેડમી દ્વારા કૃષ્ણ ભક્તિ આધારિત હોળી ગીત નૃત્ય; કલાસાગર પરફોર્મિંગ આર્ટ્સ, નડિયાદ દ્વારા કાલબેલિયા નૃત્ય; લીરબાઇ ગરબા ગૃપ, પોરબંદર દ્વારા પ્રાચીન ગરબા; સુંદરમ કલ્ચરલ ગૃપ,ગાંધીનગર, મિત્તલ નાઇ દ્વારા મિશ્ર રાસની; પ્રણવ સાગર ગ્રૂપ, નડિયાદ દ્વારા ટિપ્પણી નૃત્ય; જગદીશ વસાવા, આણંદ દ્વારા સ્વર અગ્નિ ભવાઇ; બનસિંગ રાઠવા, છોટા ઉદેપુર દ્વારા રાઠવા નૃત્ય; ચામુંડા રાસ મંડળ, પોરબંદર દ્વારા ઢાલ-તલવાર રાસ કૃતિ તેમજ આશિતા અને અમિપ પ્રજાપતિ, અમદાવાદ દ્વારા કૃષ્ણ ભક્તિ આધારિત ગીત સંગીત ભજવવામાં આવશે.આ કાર્યક્રમની શોભા વધારવા જિલ્લાના તમામ પદાધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે, ત્યારે ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવિક ભક્તજનો તથા ખેડા જિલ્લાના તમામ નાગરીકોને જિલ્લા વિકાસ અધિકારી ખેડા નડિયાદ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામા આવે છે.