ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિના અવસરે દાહોદ ખાતે કલેક્ટર ડો. ગોસાવીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો.

સિંધુ ઉદય

સરકારની દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત ૧૪૩ દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. ૨.૬૪ લાખ રૂ.ના રોજગારલક્ષી સાધનોની સહાય

ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિના અવસરે દાહોદની બ્લાઇંડ વેલફેર કાઉન્સિલ સંસ્થા ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સરકારની દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત ૧૪૩ દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. ૨.૬૪ લાખ રૂ.ના રોજગારલક્ષી સાધનોની સહાય આપવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવો દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરને પુષ્પ અર્પીને ભાવવંદના સાથે કરાયો હતો. આ વેળા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ ડો. બાબાસાહેબના પ્રેરણાત્મક જીવનને યાદ કરતા જણાવ્યું કે, ડો. બાબાસાહેબ આંબેડકરે શિક્ષણ મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. તેમને શાળામાં સંસ્કૃત વિષય પણ લેવા દેવાયો નહોતો. જયારે આજનો તેમને સંમર્પિત કાર્યક્રમ સંસ્કૃતના શ્લોકથી થાઇ છે. તે તેમના સંઘર્ષનો વિજય છે. તેમણે જણાવ્યું કે, ડો. બાબાસાહેબનું બંધારણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ખૂબ મહત્વનું પ્રદાન છે. બંધારણના ખૂબ મહત્વની કલમો જેવી કે રાઇટ ટુ લાઇફ વીથ ડિગ્નિટી અને સમાનતાનો અધિકાર આપતા જીવનને સીધા સ્પર્શતા ખૂબ મહત્વની બાબતો છે. જીવન ગૌરવ સાથે જીવવાનો હક અને સમાનતાનો અધિકાર જેવી મહત્વની અને પાયાની બાબતોનો સમાવેશ બંધારણમાં થવાથી દેશના ગરીબો-વંચિતોને પોતાના અધિકાર મળ્યા છે. તેઓ અન્ય લોકોની જેમ સમાન તકો મેળવી રહ્યાં છે. બાળકોને યોગ્ય શિક્ષણ આપવું જોઇએ એમ જણાવતા ડો. ગોસાવીએ જણાવ્યું કે, ડો. બાબાસાહેબ આંબેડકરના ત્રણ આદર્શો હતા. સંત કબીર, મહાત્મા ફૂલે અને ભગવાન બુદ્ધ. તેમણે પોતાના આદર્શોમાંથી ઘણી બાબતો શીખી હતી. વિદ્યાના અભાવે વ્યક્તિ ગરીબ રહી જાય છે. તેથી તેઓ શિક્ષણ ઉપર ખૂબ જ ભાર મૂકયો હતો. તેઓ હંમેશા કહેતા કે, શિક્ષિત બનો, સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો. કાર્યક્રમમાં મહાનુભાવોએ દિવ્યાંગ લાભાર્થીઓને રોજગારલક્ષી સાધન સહાયનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર. પી. ખાંટાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સંસ્થાના ડો. યુસુફી કાપડીયાએ પ્રાંસગિક પ્રવચન કર્યું હતું. શ્રી એ.જી. કુરેશીએ આભાર પ્રવચન કર્યુ હતું. કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી શાંતિલાલ તાવિયાડ, કલેક્ટર શ્રીના ધર્મપત્ની સુશ્રી ભાગ્યશ્રી ગોસાવી તેમજ અધિકારીશ્રીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમમાં સરકારની દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત ૧૪૩ દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. ૨.૬૪ લાખ રૂ.ના રોજગારલક્ષી સાધનોની સહાય આપવામાં આવી હતી. જેમાં ૧૯ લાભાર્થીઓને ખેતીલક્ષી લુહારી વેલ્ડીંગ માટેના સાધનો, ૯૮ લાભાર્થીઓને દરજીકામના સાધનો, ૪ લાભાર્થીઓને મોબાઇલ રીપેરીંગના સાધનો, ૧૭ લાભાર્થીઓને સુથારીકામના સાધનો, ૨ લાભાર્થીઓને સેન્ટીંગ કામના સાધનો તેમજ ૩ લાભાર્થીઓને વાળંદ કામ-હેરકટીંગ માટેના સાધનોની સહાય કરાઇ હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: