નડિયાદ શહેરમાં નવનિર્મિત રામસરોવર તળાવ નાગરીકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું
નરેશ ગનવાણી – બ્યુરોચીફ – નડિયાદ
નડિયાદ શહેરમાં નવનિર્મિત રામસરોવર તળાવ નાગરીકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું
કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહજી ચૌહાણ અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં નડિયાદ નગરપાલિકાને મળેલ વિવિધ ગ્રાન્ટ અન્વયે રૂ.૩૬૩.૭૬ લાખના કામોના ખાતમુહૂર્ત અને રામતલાવડી ડેવલોપમેન્ટના રૂ.૧૯૬ લાખના કામનો લોકાર્પણ કાર્યક્રમ રામતલાવડી, ગરુદ્વારા પાછળ, મિશન રોડ, નડિયાદ ખાતે યોજાયો. જેમાં નવનિર્મિત રામસરોવર તળાવ નાગરીકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. આ ડેવલેપમેન્ટ કાર્યોમાં ચંપા તલાવડી પાસે ટ્યુબવેલ બનાવવા માટે રૂ.૧૧.૧૭ લાખ; સર્ક્યુલર રોડથી મલેકવાડા સુધીનો રસ્તો સી.સી. કરવા માટે રૂ.૪૦.૩૦ લાખ; ઇન્દિરાનગર તળાવ પાસે પાર્કિંગ એરિયા ડેવલપ કરવા રૂ. ૪૨.૨૨ લાખ; મિયાવાકી પ્લાન્ટેશન અને કમ્પાઉન્ડ વોલની કામગીરી કરવા રૂ.૪૬.૩૮ લાખ; રામ તલાવડી ડેવલોપમેન્ટ (૨-ફેઝ) માટે રૂ.૫૧.૮૪ લાખ અને રામદેવપીર મંદિર પાસેના તળાવને ડેવલપમેન્ટ કરવાની કામગીરી માટે રૂ.૧૮૫.૫૧ લાખના ખાતમૂહુર્તના કાર્યો તથા રામતલાવડી ડેવલપમેન્ટ કરવા રૂ.૧૯૬ લાખના લોકાર્પણના કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પાંચ પ્રણ પૈકી ‘નાગરિક-કર્તવ્ય’ ઉપર ભાર મુકતા નડિયાદ શહેરના તમામ સંસાધનો અને વિકાસ કામોની જાળવણી માટેની જવાબદારી લેવા શહેરીજનોને અપીલ કરી હતી. સંતરામ મહારાજની પવિત્ર ભૂમિને નડિયાદની અસ્મિતા સાથે જોડી મંત્રીએ શહેરમાં સ્વચ્છતાની અનિવાર્યતા સમજાવી હતી. ઈન્દોર શહેરની સ્વચ્છતાનું ઉદાહરણ આપતા તેમણે લોકોને કચરો કરવાવાળી ગુલામ માનસિકતામાંથી સત્વરે મુક્ત થવા હાકલ કરી હતી. ઉપરાંત, સ્વચ્છતા જાળવવાના આ કાર્યમાં શહેરીજનોને પણ પ્રોએક્ટીવલી ભાગીદાર થવા અપીલ કરી હતી. નડિયાદ ધારાસભ્ય પંકજ દેસાઈએ ડોર ટુ ડોર કચરો કલેક્શન સિસ્ટમને અતિ મહત્વની ગણાવતા લોકોને આ સિસ્ટમમાં સ્વંયને ફરજીયાતપણે કેળવવા આગ્રહ કર્યો હતો. આગામી સમયમાં વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ દ્વારા ૬ થી ૭ મહિનામાં મોટા પાયે કચરાના નિકાલ માટેના આયોજનની જાણકારી તેમણે આપી હતી. બોટમ અપ ડેવલેપમેન્ટનું મહત્વ સમજાવતા ધારાસભ્યશ્રીએ નાગરીકોને પણ સ્વચ્છતાના આ મિશનમાં સક્રિય સહયોગ આપવા વિનંતી કરી હતી. આ માટે સોસાયટીના સ્તરે કચરો મેનેજમેન્ટના માળખા દ્વારા સારા પરિણામો મળવાની સંભાવના પર પંકજભાઈએ ધ્યાન દોર્યુ હતું. નડિયાદ શહેરના ચોતરફ વિકાસની વાત કરતા પંકજભાઈએ જણાવ્યું કે આગામી દિવસોમાં પશ્ચિમ ભાગની કેનાલમાં ડેવલપમેન્ટ કરી સાયકલિંગ અને ટ્રેકિંગની સુવિધાઓ ઉભી કરવા તથા શહેરમાં ડ્રેનેજ અને વોટર-વર્ક્સ માટે ૧૧૦ કરોડના ખર્ચે ડ્રેનેજ પંપીંગ સ્ટેશન તેમજ પાણીની ટાંકી વગેરે ઉભા કરવાનું આયોજન છે.આ પ્રસંગે નડિયાદ નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આવકાર્યા હતા અને ચીફ ઓફિસર હુદડે નડિયાદ નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર વિવિધ વિકાસ કાર્યોની વિગતે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં નડિયાદ નગરપાલિકા ઉપ પ્રમુખ કીન્તુભાઈ દેસાઈ, કારોબારી સમિતિના ચેરમેન મનનભાઈ રાવ, આગેવાન અજયભાઈ બ્રહ્મભ્ટ્ટ, વોર્ડ નં-૧ના કાઉન્સીલર પરેનભાઈ બ્રહ્મભટ્ટ, કાઉન્સીલર ભારતીબેન પંડ્યા, ટી.પી ચેરમેન શ્રી તૃપ્તીબેન પટેલ, તળાવ-બ્યુટીફીકેશન ચેરમેન સ્નેહલબેન પટેલ, બાગ-બગીચા ચેરમેન , વોટર-વર્ક્સ ચેરમેન પ્રતિક્ષાબેન જોશી, રોડ કમીટીના ચેરમેન મિતેશભાઈ પટેલ, નગરપાલિકાના કર્મચારીઓ, ગુરૂદ્વારા કમિટીના સભ્યો સહિત મોટી સંખ્યામાં વોર્ડ-૧ના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.