કપડવંજમાં એક જ સોસાયટીના બે મકાનોમાં તસ્કરોએ ચોરીને અંજામ આપી ફરાર.
નરેશ ગનવાણી નાડીયાદ
કપડવંજમાં એક જ સોસાયટીના બે મકાનોમાં તસ્કરોએ ચોરીને અંજામ આપી ફરાર થઇ ગયા
કપડવંજ શહેરમાં દાણા રોડ પર આવેલ ઈન્દ્રપ્રસ્થ વીલામાં મકાન નંબર 13માં દિનેશભાઈ ભગાભાઇ પટેલ રહે છે. તેઓ પોતે મહુધાના ઈટાવા ગામે શિક્ષક તરીકે નોકરી કરે છે. દિનેશભાઈ આ મકાનમાં પત્ની અને પુત્ર સાથે રહે છે. 23મી સપ્ટેમ્બરના રોજ મકાન લોક કરી પરીવાર સાથે પોતાના ગામડે ગયા હતા. બીજા દિવસે સવારે ઘરે આવતાં દિનેશભાઈ મકાનનો દરવાજો ખુલ્લો જોઈ ચોકી ઉઠ્યા હતા. ઘરની અંદર તપાસ કરતા ઘરનો સામાન વેરવિખેર પડેલો હતો. ધરમાં વધુ તપાસ કરતાં તસ્કરોએ રોકડ રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અને આ સોસાયટીના નિકુંજભાઈના મકાનમાં પણ તસ્કરોએ ઘૂસી ચોરીને અંજામ આપ્યો હોવાની વિગતો જાણવા મળી હતી. તેમના બંધ મકાનમાં તસ્કરોએ ઘૂસી રોકડ રૂપિયાની ચોરી કરી હતી. આ બનાવમાં બે મકાનોમાં મળી કુલ રૂપિયા ૧ લાખ ૩૨ હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ દિનેશભાઈ ભગાભાઇ પટેલે કપડવંજ ટાઉન પોલીસમાં આપી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.