દાહોદની અજંતા સોસાયટી, દેવાશિષ એપાર્ટમેન્ટની પાસે પુષ્ટિનગરમાં તસ્કરો એક બંધ મકાનને નિશાન બનાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ.

અજય સાંસી દાહોદ
દાહોદની અજંતા સોસાયટી, દેવાશિષ એપાર્ટમેન્ટની પાસે પુષ્ટિનગરમાં ગત તા. ૨૨ થી ૨૫ સપ્ટેમ્બર દરમ્યાન ત્રાટકેલા તસ્કરો એક બંધ મકાનને નિશાન બનાવી તે મકાનના દરવાજાના નકુચા તોડી નાંખી ઘરમાં પ્રવેશી લોખંડના કબાટનું લોક તોડી અંદર મૂકેલ રોકડ તથા સોનાનું બ્રેસલેટ મળી રૂા. ૧.૧૬ લાખની મત્તાનો હાથફેરો કરી ગયાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદના પુષ્ટિનગર દેવાશિષ એપાર્ટમેન્ટની પાસે આવેલ અંજટા સોસાયટીમાં ગત તા. ૨૨-૯-૨૦૨૩ના સવારના આઠ વાગ્યાના સમયગાળા દરમ્યાન તસ્કરો ત્રાટક્યા હતા અને શહેરના ગોવિંદનગરની શ્રી નગર સોસાયટીમાં રહેતા સમીરભાઈ નિરંજનભાઈ પરીખના ભાઈના અજંટા સોસાયટીમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને બંધ મકાનના દરવાજાના નકુચા તોડી નાંખી મુખ્ય દરવાજા વાટે મકાનમાં પ્રવેશ્યા હતા અને બેડરૂમમાં મૂકેલ લોખંડના કબાટનું લોક તોડી કબાટમાં મૂકી રાખેલ રૂપિયા ૫૮ હજારની રોકડ તથા રૂપિયા ૫૮ હજારનું કિંમતનું એક તોલા વજનનું સોનાનું બ્રેસલેટ મળી કુલ રૂપિયા ૧,૧૬,૦૦૦ ની મત્તા ચોરીને લઈ ગયા હતા.
આ સંબંધે દાહોદ શ્રી નગર સોસાયટીમાં રહેતા સમીરભાઈ નિરંજનભાઈ પરીખે નોંધાવેલ ફરિયાદને આધારે એ ડીવીઝન પોલિસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
