વેપારીની જાણ બહાર ગઠિયાએ લોન પડાવી,
નરેશ ગનવાણીનડિયાદ
વેપારીની જાણ બહાર ગઠિયાએ લોન પડાવી,
હપ્તો ભરવાનો ફોન આવ્યો ત્યારે સમગ્ર મામલો ઉજાગર થયો વસોના કરોલી ગામે વેપારીના ક્રેડિટ પર અજાણ્યા શખ્સે ક્રેડિટ કાર્ડ ધારકની જાણ બહાર રૂપિયા ૩૭ હજારની લોન પડાવી હતી અને વેપારીને હપ્તો ભરવા માટે કોલ આવતા સમગ્ર મામલો ઉજાગર થયો હતો. આ બનાવ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.વસો તાલુકાના કરોલી ગામે પ્રાથમિક શાળા પાછળ રહેતા વિષ્ણુભાઇ રામાભાઇ પરમાર પોતે શાકભાજીનો વેપાર કરે છે. તેઓએ અગાઉ બજાજ ફાઇનાન્સ નડિયાદ વર્ગો કોમ્પલેક્ષ ખાતેથી લોન લીધેલ હતી અને જેમા લોન ભરવા બાબતે તેમનો સીબીલ સ્કોર સારો હોય જેથી બજાજ ફાઇનાન્સ તરફથી એક ક્રેડીટ કાર્ડ મળેલ હતુ, ગત ૩૦ ઓગસ્ટના રોજ બજાજ ફાઇનાન્સમાંથી ફોન આવ્યો અને જણાવેલ કે તમોએ બજાજ ફાઇનાન્સના ક્રેડીટ કાર્ડ ઉપરથી રૂપિયા ૩૭ હજારની લોન લીધેલ છે જે લોનનો હપ્તો ભરવાનો બાકી છે. તેમ જણાવતા વિષ્ણુભાઇ પરમાર આશ્ચર્ય થઈ કહ્યું કે, મે કોઇ ક્રેડીટ કાર્ડ પર લોન લીધેલ નથી. ત્યારબાદ તેઓ નડિયાદ બજાજ ફાઇનાન્સની ઓફીસે આવતા ઓફીસેથી જાણાવા મળેલ કે તેઓના ક્રેડીટ કાર્ડ ઉપરથી કોઇએ પેટીએમ અને ફોન પે થી ક્રેડીટ કાર્ડ ઉપરથી તેઓની જાણ બહાર કોઇ વ્યકતીએ લોન લઇ રૂપિયા ૩૭ હજાર ઉપાડી તેઓની સાથે છેતરપીડી કરેલ હોવાનું માલૂમ પડયું હતું. આથી જે તે સમયે વિષ્ણુભાઇએ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન પર અને આજે નડિયાદ રૂરલ પોલીસમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.