નડિયાદમાં ઉભરાતી ગટરના પાણીથી સ્થાનિકોને ભારે હાલાકી.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં ઉભરાતી ગટરના પાણીથી સ્થાનિકોને ભારે હાલાકી
નડિયાદના ડભાણ ભાગોળથી અમદાવાદી બજાર તરફ જવાનો રસ્તો લોકોની અવર જવરથી સતત ધમધમતો રહે છે. અહીંયા છેલ્લા ઘણા દિવસોથી ગટર ઉભરાય છે. છતાં તેની સાફ સફાઈ કરવામાં ન આવતાં સ્થાનિક વેપારીઓ ભારે રોષે ભરાયા છે. ના છુટકે રાહદારીઓ તેમજ વાહનચાલકોને આવા ગંદા પાણીમાંથી પસાર થઉ પડે છે. નડિયાદ શહેરના સ્ટેશનથી ડભાણ ભાગોળ થઈ અમદાવાદી બજાર વિસ્તારમાં ખરીદી માટે લોકોની ભારે અવર જવર રહે છે. ત્યારે સક્કર કુઈના નાકા પીપલ્સ બેંક આગળ રોડ પર ગટર લાઇન ઉભરાઈ રહી છે. ઉભરાતી ગટરનું પાણી રોડ પર વહેતું હોવાથી શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.ઉભરાતી ગટરનું પાણી ડભાણ ભાગોળ પોલીસ ચોકી સુધી વહેતું હોય છે.જેથી સ્થાનિક દુકાનદારો ગંદા પાણીની દુર્ગંધથી ત્રાસી ગયા છે. જ્યારે રોડ પરથી વાહન પસાર થતા ગંદુ પાણી ઊડતાં લોકોના કપડાં પણ ગંદા થતા હોય છે.લોકોને ગટરના પાણીમાં થઇ અવર જવર કરવી પડે છે.દિવાળી પહેલાથી આ ગટર ઉભરાય છે આમ છતાં પાલિકાના સત્તાધિશો દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં ન આવતા દુકાનદારો ઉભરાતી ગટરથી ત્રાસી ગયા છે. સ્થાનિક દુકાનદારે જણાવ્યું કે અવારનવાર રજૂઆત કરવા છતા નગરપાલિકા તંત્ર દ્વારા ગટરની સાફ સફાઈ કરવામાં ન આવતા લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.