રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ પ્રદર્શન અને સેવાસેતુ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું.
નરેશ ગનવાણી નડિયાદ
રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ પ્રદર્શન અને સેવાસેતુ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું.
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડા અને જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં મહુધા, ૨૨ ગામ પાટીદાર સમાજ વાડી ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો. મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહીડાના હસ્તે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ પ્રદર્શન અને સેવાસેતુ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં ખેતી વિષયક બાબતોના ૧૫ અને સેવાસેતુના ૧૫, એમ કુલ ૩૦ સ્ટોલની જિલ્લા કલેકટર અને મહુધા ધારાસભ્ય દ્વારા મુલાકાત લઈ કામગીરી ચકાસવામાં આવી હતી. રવિ કૃષિ મહોત્સવમાં મહુધા તાલુકાના કુલ ૭ પંપસેટના લાભાર્થીઓ અને ૩ સ્માર્ટફોનના ખેડૂત લાભાર્થીઓને રૂ.૧,૬૨,૧૫૨ ની રકમના સહાયહુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા જિલ્લા કક્ષાએ મહુધાના હેરંજ ગામના ખેડૂતશ્રી શંભુભાઈ પ્રવીણભાઈ પટેલને હજારીગલ ફૂલની ખેતી માટે બેસ્ટ ફાર્મા એવોર્ડ અને રૂ. ૨૫ હજાર નો ચેક આપી અને તાલુકા કક્ષાએ મહુધાના સણાલી ગામના પરમાર અદેસિંહ જુવાનસિંહને પશુપાલન ડેરી માટે બેસ્ટ ફાર્મા એવોર્ડ અને રૂ.૧૦, હજાર નો ચેક આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે સરકારની મજબૂત કૃષિ નીતિઓને કારણે આજે ગુજરાત રાજ્ય કૃષિ ક્ષેત્રે દેશમાં આગવી ઓળખ ધરાવે છે. ખેડૂતોને મળતી ટેકનોલોજીકલ, બાગાયતી, વીજ જોડાણ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, દેશી ગાયનો નિભાવ ખર્ચ સહાય, કિસાન ક્રેડિટ કાર્ડ, વેરહાઉસ, લઘુતમ ટેકાના ભાવે ખરીદી, પ્રાકૃતિક ખેતી, અર્બન ગ્રીન મિશન, મત્સ્ય સંપદા અને કિસાન કલ્પવૃક્ષ જેવી ખેડૂતલક્ષી સહાય અને યોજનાઓના કારણે ગુજરાતના ખેડૂતો સાહસિક અને આત્માનિર્ભર બન્યા છે. વધુમાં ધારાસભ્યએ મહુધાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળી સરકારની ખેતીની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.કૃષિ વૈજ્ઞાનિક આણંદ કૃષિ યુનિવર્સિટી ડો. ભાસ્કર એ. જેઠવાએ ઉપસ્થિત ખેડૂતોને બાગાયતી પાકો વિશેની માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. તથા પ્રગતિશીલ ખેડૂત શ્રી મહેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીના તેમના અનુભવો રજૂ કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડાવા અપીલ કરી હતી. સાથે સાથે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે.એચ.સુથારે રવી રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ની વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર જ.સુ. વિમલભાઈ ચૌધરી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જે.એચ.સુથાર, મહુધા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, એપીએમસી ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ જયંતીભાઈ સોઢા, કૃષિ વૈજ્ઞાનિક આણંદ કૃષિ યુનિવર્સિટી શ્રી ડો. ભાસ્કર એ. જેઠવા, ખેતી અધિકારી ભાવેશભાઈ ચૌધરી, ખેતી અધિકારી પ્રેમલભાઈ પ્રજાપતિ, વિસ્તરણ અધિકારી કિશનસિંહ ઠાકોર, આગેવાન રમેશભાઈ, વિક્રમસિંહ, અલ્પેશભાઈ, હરેશભાઈ, અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.