કુપોષણ મુક્ત ખેડા અભિયાન અંતર્ગત ૧૪૦ થી વધારે બાળકોના વજનમાં નોંધપાત્ર વધારો.
નરેશ ગનવાણી નડિયાદ
કુપોષણ મુક્ત ખેડા અભિયાન અંતર્ગત ૧૪૦ થી વધારે બાળકોના વજનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો
ખેડા જિલ્લામાં કુપોષણને દૂર કરવાના અભિગમ સાથે ગળતેશ્વર, ઠાસરા અને મહુધા તાલુકામાં તાલુકાને પાઇલોટ પ્રોજેકટ તરીકે પસંદગી કરી તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩ થી કુપોષણ મુક્ત ખેડા અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે. જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલના અધ્યક્ષસ્થાને તા. ૨૪ નવેમ્બર ૨૦૨૩ ના રોજ કોર ગ્રુપની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સી.ડી.એચ.ઓ, આર.સી.એચ ઓ, પ્રોગ્રામ ઓફિસરશ્રી, ટી.ડી.ઓ, ટી.એચ.ઓશ્રી, એમ. ઓ, આર.બી.એસ.કે નોડલ, ડી.એલ.એમ, એન.આર.એલ.એમ, તથા ફિલ્ડ કક્ષાના કર્મચારીઓ સાથે પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરવામાં આવેલ વિવિધ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટને તા. ૨૦ નવેમ્બર ૨૦૨૩ ના રોજ ર (બે) માસ પૂર્ણ થતા જિલ્લા તથા તાલુકાની RBSK ટીમના સતત મોનીટરીંગ અને સફળ કામગીરીના પરિણામ સ્વરૂપ ૧૪૦ થી વધારે બાળકોની વજનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો તથા અમુક બાળકોના વજનમાં ૨ કિલો કે તેથી વધારે પણ વજનમાં વધારો જોવા મળેલ છે તેમજ વાલીઓમાં પણ દરરોજની ફિલ્ડ સ્ટાફની મુલાકાતથી આરોગ્ય, પોષણ, સ્વચ્છતા વગેરે બાબતોમાં વિશેષ સમજ મળી હોય તેવું જોવા મળેલ છે. પ્રોજેક્ટ અંતર્ગત આઈ.સી.ડી.એસ. કર્મચારી તથા દાતાના સહયોગથી દિવાળી રજાઓમાં પણ બાળકોને સપ્લીમેન્ટરી ન્યૂટ્રીશન વધારાનો ખોરાક ચાલુ રાખવા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ફિલ્ડના કર્મચારીઓ કે જેમની સતત ફિલ્ડ વિઝીટ તથા સાથે આપવામાં આવતા સપ્લીમેન્ટસના કારણે કુપોષણમાં ઘટાડો જોવા મળેલ છે. પ્રોજકેટના સારા પરિણામ મુજબ ટૂંક સમયમાં જિલ્લાના તમામ તાલુકામાં પ્રોજેક્ટનું અમલીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું જેમાં સહયોગ આપનાર દાતાશ્રીઓ તથા ઉત્કૃષ્ઠ સેવા આપનાર ફિલ્ડ કર્મયોગીને પણ સન્માનિત કરવામાં આવશે તથા મોનીટરીંગ ટીમના માધ્યમથી પ્રોજેક્ટનું સુચારું અમલીકરણ કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીનાં નેતૃત્વ હેઠળ બાળકોને કુપોષણમુક્ત બનાવવા કરવામાં આવી રહેલ ઉમદા પ્રયાસ થકી પોષણ બાબતે સમુદાયમાં જનજાગૃતિ વધશે તેમજ આવનાર દિવસોમાં આ પ્રોજેક્ટ લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.